વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કલેક્ટર દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરી છે. તેઓ જાતે રસ્તા પર ઉતર્યા છે અને પોતાની નિગરાની હેઠળ સ્વચ્છતાને લગતી કામગીરી કરાવી રહ્યા છે. થોડા સમય પહેલા તેમણે તિથલ બીચ પર જાગૃત નાગરિકો સાથે સફાઇની કામગીરી કરી હતી. બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીની પાછળના ഭാഗે ગંદકી જોવા મળી રહી છે. ડસ્ટબિનમાં ભરેલો કચરો બહાર વેરણ-છેરણ હાલતમાં જોવા મળ્યો હતો. કચેરીના પાછળના ભાગે ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. જે બાબતે કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી જાગૃત નાગરિકોએ વ્યક્ત કરી છે.
વલસાડ ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરીની પાછળના ભાગે કચરાના ડસ્ટબિનો મૂકેલી છે. તે ભરાઇ ગઈ છે અને કચરો બહાર ફેલાયેલો જોવા મળ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનની દુહાઇ પછી પણ કલેક્ટર કચેરીની પાછળ ઉગી નીકળેલા ઘાસ, ઝાડી-ઝાંખરોની સફાઇ કરવામાં આવી નથી. જેને લઇને જાગૃત નાગરિકોએ સફાઇ ઝુંબેશ પોતાના ઘરથી શરૂ કરો તો આખા ગામમાં દાખલો બેસે તેવી ટકોર કરી હતી. વધુમાં, જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશવા માટે કચેરીની ડાબી બાજુ ઇન ગેટ અને બહાર જવા માટે જમણી તરફ આઉટ ગેટ બનાવવામાં આવ્યો છે. પરંતુ કલેક્ટર કચેરીમાં પ્રવેશવા માટે બનાવવામાં આવેલ ગેટ તાળું મારીને બંધ કરી દેવાયો છે. જેને કારણે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ, અહીં આવતા અરજદારો વગેરે આઉટ ગેટમાંથી જ અવરજવર કરી રહ્યા છે. તેને કારણે સોમવાર અને ગુરુવારે જનતા-ડે ના દિવસે લોકોએ અગવડતા ભોગવવી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે કલેક્ટર દ્વારા ઘટતું કરવામાં આવે તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી છે.
