વલસાડ જિલ્લામાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, સ્વીટ-ફરસાણ તેમજ ફાસ્ટફૂડની પેઢીઓમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, પાણીની ગુણવત્તા, સ્ટોરેજ વ્યવસ્થા, પેકેજિંગ મટિરિયલ સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. કેટલીક પેઢીઓમાં સ્વચ્છતા સંતોષકારક
તપાસ દરમિયાન કેટલીક પેઢીઓમાં સ્વચ્છતા સહિતની વ્યવસ્થા સંતોષકારક જણાતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જોકે, અન્ય કેટલીક પેઢીઓમાં નિયમોના પાલનમાં બેદરકારી જોવા મળી હતી. જરૂરી દસ્તાવેજોનો અભાવ, પાણી તથા ખાદ્ય પદાર્થોના ટેસ્ટ રિપોર્ટ ઉપલબ્ધ ન હોવા અને સ્ટોરેજ રેકમાં કાટ લાગ્યો હોવા જેવી ક્ષતિઓ તપાસ દરમિયાન સામે આવી હતી. પેકેજિંગ અને તાલીમના પ્રમાણપત્રોમાં પણ ખામી
કેટલીક પેઢીઓમાં પેકેજિંગ મટિરિયલનો NABL રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું તેમજ ફૂડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફિકેટ અને FoSTaC તાલીમ પ્રમાણપત્રો ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકારની ક્ષતિઓને ગંભીરતાથી લઈને ફૂડ વિભાગે સંબંધિત સંચાલકોને નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે. સાત પેઢીને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ
નિયમોના ઉલ્લંઘન બદલ સર્વોત્તમ ફાસ્ટ ફૂડ, નીલકંઠ એન્ટરપ્રાઇઝ, પુરોહિત રાજસ્થાન ઢાબા, રાજસ્થાની ઢાબા, ગિરિરાજ કાઠિયાવાડી ભોજનાલય, કુંદન કા ઢાબા (રાધે રાધે ઢાબા), UV’s Foods–Caf Beats Restaurant Lounge અને જય જોગણીયા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ સહિતની પેઢીઓને કાયદા મુજબ ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. નિયમભંગ સામે કાયદેસરની કાર્યવાહી થશે
ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વળવીએ જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય અને સલામતી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ફરજિયાત છે. જિલ્લામાં ખાદ્ય પેઢીઓની તપાસની કામગીરી સતત ચાલુ રહેશે અને ભવિષ્યમાં નિયમભંગ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વલસાડમાં ફૂડ વિભાગની સઘન તપાસ:7 પેઢીને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ, પાણી-ખાદ્ય પદાર્થોના ટેસ્ટ રિપોર્ટથી માંડી ફૂડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફિકેટની ચકાસણી
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
