વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને નાનાપોંડા વિસ્તારમાંથી પસાર થનારી ખાવડા-બોઇસર 765 KV હાઇટેન્શન લાઇન તથા 220 KV જેટકો વીજ લાઇનની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જમીનનું યોગ્ય વળતર ચૂકવ્યા વગર તેમજ જમીન માલિકોને પૂરતી જાણ કે પૂર્વ પરવાનગી આપ્યા વગર વીજ કંપનીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ કરી અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના આગેવાનો સોમવારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કામગીરી અટકાવવા સહિત વિવિધ માગણીઓ રજૂ કરી હતી. 67 મીટર પહોળો કોરિડોરની અસર
ખેડૂતોના જણાવ્યા મુજબ, વીજ લાઇન માટે આશરે 67 મીટર પહોળો કોરિડોર અસરગ્રસ્ત જમીનમાંથી પસાર થાય છે. વીજ લાઇન અથવા ટાવર ઊભા થયા બાદ આ જમીનનો બિનખેતી કે વાણિજ્યિક ઉપયોગ કરી શકાતો નથી. જેથી જમીનનું મૂલ્યાંકન માત્ર ખેતીની જમીનના દરે નહીં પરંતુ બિનખેતી વાણિજ્યિક દરે કરવામાં આવે તેવી મુખ્ય માગણી કરાઈ છે. ટાવર બેઝ માટે 400 ટકા વળતરની માગ
ખેડૂતોએ ટાવર બેઝ માટે બિનખેતી બજાર કિંમતના 400 ટકા વળતર ચૂકવવાની માગ કરી છે. જ્યારે ROW (રાઇટ ઓફ વે) કોરિડોરમાં આવતી જમીન માટે 400 ટકાના 60 ટકા લેખે યોગ્ય વળતર ચૂકવવા રજૂઆત કરાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે હાલના સરકારી ઠરાવ મુજબ મળતું વળતર જમીન માલિકોના વાસ્તવિક નુકસાનની સરખામણીએ ઘણું ઓછું છે. આ ઉપરાંત લેખિત પરવાનગી અને યોગ્ય નોટિસ વગર વીજ કંપની કે કોન્ટ્રાક્ટરના માણસોને જમીનમાં પ્રવેશ ન આપવા, 765 KV લાઇનના જોખમને ધ્યાનમાં રાખી ખેડૂતો, પશુધન, પાક અને મિલકત માટે ફરજિયાત અકસ્માત વીમો લેવા તથા બાંધકામ પહેલાં ગ્રામ પંચાયત કે સ્થાનિક સત્તામંડળની જરૂરી મંજૂરી મેળવવાની પણ માગ કરાઈ છે. પાક-વૃક્ષોના નુકસાનનું 200 ટકા વળતર માગ્યું
અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ, વીજ લાઇનની કામગીરી દરમિયાન ફળાઉ વૃક્ષો, અન્ય વૃક્ષો તથા પાકને નુકસાન થાય તો જમીન સંપાદન કાયદા મુજબ 100 ટકા સોલેશિયમ સહિત કુલ 200 ટકા વળતર ચૂકવવું જોઈએ. સાથે જ બાંધકામ બાદ લાગુ પડતા તમામ વેરા વીજ કંપની દ્વારા ભરવાની માગ પણ કરવામાં આવી છે. સરકારના નવા પરિપત્ર મુજબનું વળતર ઓછું
ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે 4 જુલાઈ, 2026ના સરકારી પરિપત્ર મુજબનું વળતર ખેડૂતો માટે અપૂરતું છે. કેટલાક સ્થળોએ ટાવરો ઊભા થઈ ગયા હોવા છતાં ખેડૂતોને હજુ સુધી ચુકવણી મળી નથી. ગામના સરપંચો અને જમીન માલિકો સાથે પૂરતું સંકલન કર્યા વગર કામગીરી કરાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે યોગ્ય વળતર નક્કી કરી ચુકવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી અસરગ્રસ્ત ગામોમાં હાઇટેન્શન લાઇનનું કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં. માગણીઓ નહીં સંતોષાય તો ધરમપુર અને કપરાડા તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને એકત્ર કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
વલસાડમાં હાઈટેન્શન વીજલાઈન સામે ખેડૂતોમાં રોષ:‘વળતર ન મળે ત્યાં સુધી કામગીરી કરવા નહીં દઈએ’ની ચીમકી, ધરમપુર-કપરાડાના અસરગ્રસ્ત ખેડૂતોનું કલેક્ટરને આવેદન
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
