વલસાડમાં 13 વર્ષની સગીરા ગુમ:ધરમપુર ચોકડી પાસેની કંપની સાઇટ પરથી અપહરણની ફરિયાદ, અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરના ધરમપુર ચોકડી પાસે આવેલી આઇ-રીવેટ કંપનીની સાઇટ પર મજૂરીકામ કરતા પરિવારની 13 વર્ષીય સગીર પુત્રીનું કોઈ અજાણ્યો ઇસમ વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વલસાડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ બિહારનો પરિવાર વલસાડમાં મજૂરી કરે છે મૂળ બિહાર રાજ્યના કટીહાર જિલ્લાના બલરામપુર થાણા વિસ્તારના બંગાડીડીહા ગામના વતની અને હાલ વલસાડ ધરમપુર ચોકડી પાસે આઇ-રીવેટ કંપનીની સાઇટ ઉપર કોન્ટ્રાક્ટરમાં લેબર તરીકે કામ કરતા સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ગત 11/11/2025ના રોજ બપોરના 13:15 વાગ્યાના સુમારે તેમની 13 વર્ષ, 6 માસ અને 5 દિવસની સગીર વયની દીકરી કંપનીની સાઇટ પરથી શંકાસ્પદ સંજોગોમાં ક્યાંક ચાલી ગઈ હતી અથવા કોઈ અજાણ્યો ઇસમ તેને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો છે. પોલીસે ચક્રો ગતિમાન કર્યા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ પોલીસે 12/11/2025 ના રોજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-137(2) મુજબ ગુનો નોંધીને સગીરાની શોધખોળ અને અપહરણ કરનાર અજાણ્યા ઇસમનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે. ધોળા દિવસે મજૂર પરિવારની દીકરીનું આ પ્રકારે અચાનક ગુમ થઈ જવું કે અપહરણ થવું એ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *