વલસાડની વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા 3,000થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાંબા સમયથી શિષ્યવૃત્તિની રકમ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અટકેલી સ્કોલરશિપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવાની માંગ કરવામાં આવી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માત્ર ‘પેન્ડિંગ’ સ્ટેટસ
ABVPના કાર્યકર્તા મનન પટેલ સહિત વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે શિષ્યવૃત્તિ માટે અરજીઓ કરી હોવા છતાં વર્ષ 2022થી અનેક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી નથી. પોર્ટલ પર અરજીઓનું સ્ટેટસ ‘Pending’, ‘Verification’ અથવા ‘Sanction’ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને કારણે SC, ST, SEBC અને EWS વર્ગના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફી અને અભ્યાસના ખર્ચને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
વિદ્યાર્થી ધર્મેશ માહલા સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સ્કોલરશિપ સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓ માટે કોલેજ ફી, હોસ્ટેલ ફી અને પુસ્તકો સહિતના શૈક્ષણિક ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ ફી ન ભરી શકવાને કારણે પરીક્ષાથી વંચિત રહેવાની સ્થિતિમાં મુકાયા છે, જ્યારે કેટલાક આર્થિક સંકડામણને કારણે અભ્યાસ અધવચ્ચે છોડીને નોકરી કે મજૂરીકામ તરફ વળવા મજબૂર બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન
સ્કોલરશિપના મુદ્દે ABVPના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી બહાર બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્રમાં DBT, આધાર/NPCI અથવા અન્ય ટેકનિકલ કારણોસર અટકેલી શિષ્યવૃત્તિની અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ઘેરાવની ચીમકી
ABVPએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે સ્કોલરશિપની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે ગાંધીનગરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે તેમ ABVP દ્વારા જણાવાયું છે.
વલસાડમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત:ABVPએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ઉગ્ર આંદોલન અને ગાંધીનગર ઘેરાવની ચીમકી
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
