વલસાડમાં CCTVમાં ચોર દેખાતા વેપારીએ પોલીસને જાણ કરી:દિલિપ ડેરીમાંથી રોકડ ચોરી કરી ભાગતા 2 આરોપી સ્ટેડિયમ રોડ પરથી ઝડપાયા

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરના નાની ખત્રીવાડ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોરીની ઘટના બની હતી. રેમન્ડ શો રૂમ સામે આવેલી દિલિપ ડેરીને નિશાન બનાવી શટર ઊંચું કરીને અંદર ઘૂસેલા મહારાષ્ટ્રની ‘સિખ ગેંગ’ના બે ચોરોને વલસાડ સિટી પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યા હતા. વેપારીની સમયસૂચકતા અને પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે આ ગુનો ઝડપથી ઉકેલાયો હતો. દિલિપ ડેરીના માલિક પ્રણવભાઈ ચૌહાણ રાબેતા મુજબ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. મોડી રાત્રે આશરે 12:50 થી 1:10 વાગ્યાની આસપાસ ડેરીના ઉપરના માળે રહેતા કર્મચારીને અંદરથી અવાજ આવતા શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક માલિક પ્રણવભાઈને ફોન કરીને જાણ કરી. પ્રણવભાઈએ તરત જ પોતાના મોબાઈલમાં દુકાનના CCTV કેમેરાનું લાઈવ ફૂટેજ તપાસ્યું હતું. ફૂટેજમાં માથા પર પાઘડી પહેરેલો એક વ્યક્તિ શટર ઊંચું કરીને અંદર ઘૂસેલો અને ગલ્લામાંથી રોકડ રકમ ચોરતો દેખાયો હતો. વેપારીએ તાત્કાલિક ઇમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ સિટી પોલીસની બે PCR વાન તરત ઘટનાસ્થળે પહોંચી હતી. લાઇવ CCTV ફૂટેજના આધારે ચોરના પહેરવેશ અને વર્ણનની માહિતી મેળવી પોલીસે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી હતી. આ દરમિયાન, આઝાદ ચોકીથી સ્ટેડિયમ રોડ તરફ શંકાસ્પદ રીતે બેગ લટકાવીને ભાગી રહેલા બે શખ્સોને પોલીસે ઘેરીને પકડી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના હોવાનું સામે આવ્યું છે. તેમની ઓળખ અજય અમર સિંહ લબાના (ઉં.વ. 20, રહે. તેજ બહાદુર કોલોની, ઉલ્લાસનગર, થાણા, મહારાષ્ટ્ર) અને ઋષિ સોનુ સિંગ (ઉં.વ. 25, રહે. ગુરુ તેજ બહાદુર કોલોની, ઉલ્લાસનગર, થાણા, મહારાષ્ટ્ર) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા રોકડા રૂ. 2,380, રૂ. 15,000 ની કિંમતના બે સ્માર્ટફોન (આઇફોન-13 અને પોકો) તેમજ શટર ઊંચું કરવા માટે ઉપયોગમાં લેવાયેલું લાંબુ ડિસમિસ/ઓજાર સહિત કુલ રૂ. 17,380 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે DySP જિતેન્દ્ર કે. પટેલે જણાવ્યું હતું કે, વલસાડ સિટી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગે અગાઉ અન્ય કોઈ સ્થળે ચોરી કે રેકી કરી હતી કે કેમ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *