વલસાડમાં SBI મ્યુચ્યુઅલ ફંડ ઓફિસમાં આગ:સર્વર રૂમમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના, ફાયર બ્રિગેડે 2 કલાકમાં કાબૂ મેળવ્યો

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરના હાલર રોડ પર આવેલી SBI મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં 15 ઓગસ્ટની રાત્રે આગ લાગી હતી. વિનય મેડિકલની ઉપર આવેલી આ ઓફિસમાં સર્વર રૂમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જેના પગલે સમગ્ર ઓફિસમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. રજાનો દિવસ હોવાથી ઓફિસ બંધ હતી, પરંતુ મોડી રાત્રે અંદરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે દોઢથી બે કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના અધિકારી લલિતભાઈ પરમારે જણાવ્યું કે, રાત્રે લગભગ 9:35 વાગ્યે હાલર રોડ પરથી ધુમાડો નીકળતો હોવાનો કોલ મળ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ઓફિસ બંધ હોવાથી અને ધુમાડો વધુ હોવાથી સ્થિતિ પડકારજનક બની હતી. ઓફિસ બંધ હોવાથી અને અંદર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફાયર ટીમે કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ધુમાડાનું પ્રમાણ અતિશય વધી જતાં બીજી ગાડી મંગાવવામાં આવી હતી અને એક્ઝોસ્ટ ફેન મૂકીને ધુમાડો બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. પાછળની બારીઓના કાચ તોડીને પણ વેન્ટિલેશન ઊભું કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આગની શરૂઆત સર્વર રૂમમાંથી થઈ હતી. સર્વર રૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને જોતજોતામાં ધુમાડો આખી ઓફિસમાં ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની સમયસૂચકતા અને કડક કામગીરીને કારણે મોટી જાનહાનિ કે વ્યાપક નુકસાન અટકાવી શકાયું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *