વાંકાનેર તરફ ક્રેટા કારમાં દેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મહિકા ગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ક્રેટા કાર પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે વાહન રોકવાને બદલે હંકારીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કર્યો હતો. મહિકા ગામના પુલ પાસે કારને કોર્ડન કરી રોકી
પોલીસે ખાનગી વાહનોની મદદથી મહિકા ગામના પુલ પાસે ક્રેટા કારને કોર્ડન કરીને રોકી હતી. ત્યારબાદ કારની તલાશી લેતા તેમાંથી 950 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં રૂ.1.90 લાખનો દેશી દારૂ, રૂ.4 લાખની ક્રેટા કાર અને રૂ.5 હજારની કિંમતનો મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. રફિક ઉર્ફે રફલોની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે વાંકાનેરના ચંદ્રપુરનો રહેવાસી 37 વર્ષીય રફિક ઉર્ફે રફલો હબીબભાઈ વિકિયાણીની ધરપકડ કરી હતી. ઝડપાયેલી ક્રેટા કારનો નંબર GJ-7-DA-8030 હોવાનું સામે આવ્યું છે. મોકલનાર-મંગાવનાર સહિત સામે કાર્યવાહી
વાંકાનેર તાલુકા પોલીસે પકડાયેલા આરોપી તેમજ દેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત તપાસ દરમિયાન જેમના નામ સામે આવશે તે તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા દારૂના જથ્થાના સ્ત્રોત અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વાંકાનેરમાં ક્રેટા કારમાંથી 950 લિટર દેશી દારૂ ઝડપાયો:મહિકા ગામના પુલ પાસે પોલીસે કારને કોર્ડન કરી રોકી, રૂ.5.95 લાખનો મુદ્દામાલ કબજે
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
