આપણા જાણીતા લેખક ગુણવંત શાહના એક પુસ્તકનું મથાળું છે,’કોલમ્બસના ભારતમાં’! અને વાત એમાં અમેરિકાની છે કારણ કે ઇતિહાસમાં એવું નોંધાયું છે કે કોલમ્બસ સોનાની ચીડિયા મહાન એવા દેશ ભારત વર્ષને શોધવા નીકળેલો અને પહોંચી ગયો અમેરિકા ખંડમાં! તે ત્યાં સુધી કે આજના અમેરિકામાં કોલમ્બસ ડે ઉજવાય છે બાકાયદા! અમૂક પુરાવા મળતા તાજેતરમાં એક નવી થીયરી અસ્તિત્વમાં આવી છે કે ‘વાઇકિંગ્સ’ (મહાન યુરોપિયન દરિયાઇ યોદ્ધાઓ) કોલંબસથી લગભગ પાંચ સદી પહેલાં ઉત્તર અમેરિકાના કિનારે પહોંચી ચૂક્યા હતા! એટલે યુરોપિયનોએ અમેરિકાની શોધ કરી એવી સામાન્ય વાતને વધુ ચોક્કસ રીતે જોવી પડે. ભૂગોળ રચવામાં મોટો ફાળો
નવી પેઢી આમ પણ ‘થોર’,’લોકી’, ‘વાઇકિંગ વલ્હાલ્લા’ અને ‘ધ લાસ્ટ કિંગ્ડમ’ જેવા ટીવી સિરીઝ અને ફિલ્મને કારણે વાઇકિંગ્સ મહાન લૂંટારુ દરિયાઇ યોદ્ધાઓ હતા એ જાણકારી ધરાવે છે પણ સ્કેન્ડિનેવિયાના નોર્વે, ડેન્માર્ક અને સ્વીડનમાંથી નીકળેલા આ સમુદ્રી લોકો માત્ર લૂંટારૂ યોદ્ધાઓ જ નહોતા પણ દુનિયાનો અત્યારનો ઇતિહાસ અને ભૂગોળ રચવામાં એ લોકોનો ફાળો પણ અનન્ય છે! આઠમીથી અગિયારમી સદી વચ્ચે યુરોપના ઇતિહાસમાં એક એવું નામ ઊભર્યું, જે સાંભળતાં જ આંખો સામે વિશાળ સમુદ્ર, લાંબી નૌકાઓ, તલવારો અને હેલ્મેટ પહેરેલા યોદ્ધાઓનું ચિત્ર ઊભું થાય છે અને એ લોકો વાઇકિંગ્સ તરીકે ઓળખાય છે. આ લોકો લૂંટારૂ યોદ્ધાઓ જ નહોતા. તેઓ કુશળ નાવિકો, વેપારીઓ, શોધકર્તાઓ, ખેડૂત, કારીગર અને સાહસિક વસાહતકારો પણ હતા. કોઇ જાતિ કે રાષ્ટ્રનું નામ નહોતું
પશ્ચિમના દેશો બહાર એવી માન્યતા પ્રવર્તે છે કે નોર્ડિક દેશો જેવા કે ફિનલેન્ડ, સ્વીડન, ડેન્માર્ક વગેરેના દરેક વસાહતી એટલે વાઇકિંગ્સ! રસપ્રદ વાત એ છે કે ‘વાઇકિંગ’ કોઇ ચોક્કસ જાતિ કે રાષ્ટ્રનું નામ નહોતું. ‘વાઇકિંગ’ શબ્દનો અર્થ મુખ્યત્વે સમુદ્ર ખેડવા અથવા દરિયાઇ સાહસ સાથે જોડાયેલો હતો. જેથી સ્કેન્ડિનેવિયાના દરેક વ્યક્તિને વાઇકિંગ કહી શકાય નહીં. ઘણા લોકો સામાન્ય ખેડૂત, માછીમાર અથવા વેપારી તરીકે જીવન જીવતા હતા. ઝડપી નૌકાઓ મોટું હથિયાર હતું
આશરે ઇ.સ. 793માં ઇંગ્લેન્ડના લિન્ડિસફાર્ન મઠ પર થયેલા હુમલાને સામાન્ય રીતે યુરોપના ‘વાઇકિંગ યુગ’ની શરૂઆતના પ્રતીક તરીકે જોવામાં આવે છે.જેમની સૌથી મોટી તાકાત તેમની અદ્ભૂત નૌકાઓ હતી જે ઝડપી, હલકી અને ઊંડા તથા છીછરા બંને પાણીમાં ચાલવા સક્ષમ હતી એવા વાઇકિંગ્સ એ પછી લગભગ 3 સદીઓ સુધી યુરોપના અત્યંત વિષમ વાતાવરણ ધરાવતા વિસ્તારમાં પોતાની છાપ છોડી. તેના માટે એમનું મોટું હથિયાર હતું એમની શક્તિશાળી અને ઝડપી નૌકાઓ, જે તેમને દરિયા કિનારાની સાથે સાથે નદીઓમાં પણ દૂર સુધી લઇ જતી! વેપાર માર્ગો મધ્ય પૂર્વ સુધી ફેલાયેલા હતા
રશિયાની નદીઓ મારફતે કાળા સમુદ્ર અને કોન્સ્ટેન્ટિનોપલ સુધી પહોંચી શકતા વાઇકિંગ્સ માટેની સૌથી મોટી ગેરસમજ એ છે કે તેઓ બધા લૂંટારૂ અને હિંસક યોદ્ધાઓ હતા. વાસ્તવમાં વાઇકિંગ સમાજમાં ખેતી અને વેપારનું પણ ખૂબ મહત્વ હતું. તેઓ ફર, ચામડું, મધ, મીણ, લોખંડ અને અન્ય વસ્તુનો વેપાર કરતા. તેમના વેપાર માર્ગો સ્કેન્ડિનેવિયાથી લઈને બ્રિટિશ ટાપુઓ, ફ્રાન્સ, રશિયા, બાયઝેન્ટાઇન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સુધી ફેલાયેલા હતા. જ્યારે વાઇકિંગ સમાજના પુરુષો દરિયો ખેડવામાં વ્યસ્ત રહેતા ત્યારે વાઇકિંગ મહિલાઓ ઘર, ખેતી અને સંપત્તિની જવાબદારી સંભાળતી અને જરૂર પડે ઘર, ઢોર ઢાંખર કે સંપત્તિ પર હુમલો થાય ત્યારે હથિયાર પણ ચલાવી શકે એવી માનસિક અને શારીરિક રીતે સક્ષમ હતી. અમુક મળેલા પુરાવાઓ પ્રમાણે આ બહાદુર સ્ત્રીઓને પણ હથિયાર સાથે દફનાવવામાં આવતી.’ધ લાસ્ટ કિંગડમ’ જેવા ટીવી શોમાં કુશળતાથી ઘર, બાળકો, ખેતી અને મિલકત સાંભળતી વાઇકિંગ્સ સ્ત્રીઓને માટે જ મિલકત રાખવાનો અને છૂટાછેડા લેવાનો અધિકાર પણ હતો. જે મધ્ય યુગીન યુરોપના ઘણા સમાજોની સરખામણીમાં નોંધપાત્ર બાબત હતી. જાણીતા દેવોમાં કોણ હતા?
મધ્ય યુગીન યુરોપમાં, ખ્રિસ્તી ધર્મના ઉદય પહેલા વાઇકિંગ્સ શરૂઆતમાં નોર્સ દેવતાઓમાં માનતા હતા. તેમના સૌથી જાણીતા દેવોમાં ઓડિન, થોર, ફ્રેયા અને લોકીનો સમાવેશ થાય છે. એમાંય થોર વીજળી અને શક્તિ સાથે જોડાયેલો દેવ હતો અને આજે પણ થોરનું પાત્ર ફિલ્મો અને કોમિક્સના કારણે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય છે. વાઇકિંગ્સ એવું પણ માનતા હતા કે બહાદુર યોદ્ધાઓને મૃત્યુ પછી વલ્હલ્લામાં સ્થાન મળી શકે છે. જ્યાં તેઓ ઓડિન સાથે ભવ્ય જીવન જીવે છે અને અંતિમ યુદ્ધ માટે તૈયાર રહે છે. આ હકીકત દર્શાવે છે કે દુનિયાના દરેક યુગ,ઇતિહાસનું પોતાનું સ્વર્ગ, જન્નત અને વલ્હાલ્લા હોય છે. ફક્ત સ્વર્ગ કે વલ્હાલ્લા જ શું કામ? સરખામણી ગુલામી પ્રથા સુધી થઇ શકે છે જે વાઇકિંગ સમાજનું એક અંધકારમય પાસું હતું. તેઓ યુદ્ધો અને દરિયાઇ હુમલાઓ દરમિયાન લોકોને કેદ કરતા અને તેમને ગુલામ તરીકે વેચતા. આ હકીકત બતાવે છે કે વાઇકિંગ યુગ માત્ર સાહસ અને શોધોની રોમાંચક કહાની નહોતો, તેમાં હિંસા, શોષણ અને માનવ દુઃખ પણ સામેલ હતા. ફક્ત સમય બદલાય છે, માનવજાતની માનસિકતા નહીં! કેવી રીતે એ યુગનો અંત થયો?
સમય જતાં જ્યારે પરિવર્તન કે એ વખતે સારા લાગતા સુધારાઓ કોઇ ધર્મ કે રાજકીય શાસન લઇને આવે તો ગુલામી, ગરીબી કે ભૂખમરાથી ત્રાસેલી પ્રજા અપનાવી લેતી હોય છે. એવું જ સ્કેન્ડિનેવિયન વિસ્તારમાં બન્યું. રાજ્યો વધુ સંગઠિત બન્યા અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ એક આશાના રૂપમાં ઊભર્યો. ડેન્માર્ક, નોર્વે અને સ્વીડનમાં રાજાશાહી મજબૂત થતાં દરિયાઇ લૂંટના જૂના યુગનો અંત આવવા લાગ્યો. સામાન્ય રીતે ઇ.સ. 1066 માં ઇંગ્લેન્ડ પર નોર્વેજિયન રાજા હેરાલ્ડ હાર્ડરાડાના આક્રમણ અને સ્ટેમફોર્ડ બ્રિજની લડાઇને વાઇકિંગ યુગના અંતના મહત્વપૂર્ણ પ્રતીક તરીકે જોવામાં આવે છે. વેપારી, ખેડૂત, શોધક અને નિર્દય યોદ્ધા તરીકેની ઓળખ
વાઇકિંગ્સ અચાનક ગાયબ થઇ ગયા નહોતા. તેઓ જે સમાજોમાં વસ્યા ત્યાં જ ભળી ગયા અને તેમની ભાષા, સંસ્કૃતિ, કાયદા અને વંશ પરંપરાએ યુરોપના ઇતિહાસ પર લાંબી અસર કરી. વાઇકિંગ્સની કહાની માત્ર તલવાર અને લૂંટની કહાની નથી. તે માનવ સાહસ, સમુદ્રી કુશળતા, વેપાર, શોધખોળ અને નવા પ્રદેશોમાં વસવાટની કહાની છે. બર્ફીલા સ્કેન્ડિનેવિયાથી નીકળી યુરોપની નદીઓ પાર કરી, રશિયા સુધી પહોંચ્યા, બાયઝેન્ટાઇન વિશ્વ સાથે વેપાર કર્યો અને ઉત્તર અમેરિકાના કિનારે પગ મુકનાર વાઇકિંગ્સની દુનિયા માટે જ જેટલી રોમાંચક હતી, એટલી જ જટિલ પણ હતી. તેઓ ક્યારેક વેપારી હતા, ક્યારેક ખેડૂત, ક્યારેક શોધક અને ક્યારેક નિર્દય યોદ્ધા. વિખ્યાત વૈજ્ઞાનિક ડાર્વિનની અતિ વિખ્યાત થિયરી ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ પ્રમાણે ફક્ત એ યુગમાં જ પોતાની બુદ્ધિ, સાહસ, શારીરિક-માનસિક ક્ષમતાને કારણે દરિયો ખૂંદીને, વિષમ પરિસ્થિતિમાં ટકી રહેનાર વાઇકિંગ્સ પ્રત્યેનું આપણું આકર્ષણ હજારો વર્ષ પછી પણ ઓછું થયું નથી. તેમના જહાજો હવે સમુદ્રમાં નથી દોડતા પરંતુ તેમની સાહસિકતાની કહાની આજે પણ ઇતિહાસના સૌથી રસપ્રદ અધ્યાયોમાંથી એક બનીને જીવંત છે.
વાઇકિંગ્સ: સમુદ્રના સાહસિક યોદ્ધાઓ અને તેમની અજાણી દુનિયા:બર્ફીલા સ્કેન્ડિનેવિયાથી નીકળી યુરોપની નદીઓ પાર કરીને રશિયા સુધી પહોંચ્યા
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
