વાઘેશ્વરી મંદિર પાસે બે સિંહની લટારથી કૂતુહલ સર્જાયું:​ભવનાથ વાઘેશ્વરી મંદિર નજીક શિકારની શોધમાં બે સિંહો આવી ચડ્યા ,લોકોના ટોળા ઉમટ્યા, વનવિભાગ અને પોલીસે સિંહોને જંગલમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

જુનાગઢના પ્રખ્યાત ભવનાથ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિર નજીક શિકારની શોધમાં બે સિંહો આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં ભારે કૂતુહલનો માહોલ સર્જાયો હતો. ગીરના જંગલમાંથી અચાનક સિંહો રસ્તા પર આવી જતાં આ અદ્ભુત દ્રશ્ય જોવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓના મોટા ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકો રસ્તા પર એકઠા થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ​ઘટનાની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડનો વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર બી. બી. મકવાણા, વી. એમ. ડાભી તેમજ ટ્રેકરની ટીમે સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી અને બંને સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ પાછા ખસેડ્યા હતા. વનવિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી અને સિંહોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર જંગલમાં પરત મોકલી દેવાયા હતા. ​બીજી તરફ, સિંહોને જોવા માટે લોકોની ભારે ભીડ જામી જતાં ભવનાથ પીએસઆઈ ડામોર સાહેબ સહિતનો પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને રસ્તા પરથી લોકોના ટોળાને દૂર કરાવ્યા હતા અને જામી ગયેલા ટ્રાફિકને હળવો કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. વનવિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરીથી પરિસ્થિતિ પર સફળતાપૂર્વક કાબૂ મેળવાયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *