વાડા ગામમાં જાહેર રસ્તા પરની ગેરકાયદે દીવાલ તોડી પડાઈ:પંચાયતે TDOના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી કાર્યવાહી કરી

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

નવસારી તાલુકાના વાડા ગામના ઉગમણા ફળિયામાં વર્ષો જૂના જાહેર રસ્તા પર બનાવેલી ગેરકાયદે દીવાલને ગ્રામ પંચાયતે જેસીબીથી તોડી પાડી છે. તાલુકા વિકાસ અધિકારી (TDO)ના કડક આદેશ અને વારંવારની નોટિસો છતાં દબાણ ન હટાવાતાં, પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાડા ગામના ઉગમણા ફળિયામાં રહેતા ચંપાબેન દીપકભાઈ પટેલે (ઘર નં. 101) પોતાના ઘરની બાજુમાં વાહનોના પાર્કિંગ અને પશુઓના તબેલા માટે શેડ બનાવ્યો હતો. તેમણે ગામતળની ‘વાળા કાછા’ તરીકે ઓળખાતી જગ્યામાં બાપદાદાના સમયથી ચાલ્યા આવતા 10 થી 12 ફૂટ પહોળા જાહેર માર્ગ પર પાકી દીવાલ બનાવી દબાણ કર્યું હતું. આ માર્ગનો ઉપયોગ સ્થાનિક લોકો ખેતરે જવા-આવવા અને ટ્રેક્ટર, બળદગાડાં જેવી ખેતીલક્ષી અવરજવર માટે કરતા હતા. દીવાલ બનવાથી રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. અન્ય વૈકલ્પિક રસ્તાઓ ઘણા સાંકડા હોવાથી મુશ્કેલીના સમયે એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નહોતી. આના કારણે સ્થાનિક રહીશ રમેશભાઈ પટેલ સહિત આસપાસના પરિવારોને ઘણી મુશ્કેલી પડતી હતી. આ મામલે સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં ઘણી રજૂઆતો કરી હતી. પંચાયતે નિયમ મુજબ નોટિસો મોકલી, છતાં દબાણ કરનારે ધ્યાન આપ્યું નહોતું. આખરે રમેશભાઈ પટેલે નવસારી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફરિયાદ કરી. TDO સમક્ષ થયેલી સુનાવણીમાં રમેશભાઈએ રસ્તા અંગેના પુરાવા આપ્યા હતા. જ્યારે ચંપાબેન આ જમીન તેમની માલિકીની હોવાનો કોઈ આધાર કે પુરાવો આપી શક્યા નહોતા. આથી TDOએ ગ્રામ પંચાયતને 7 દિવસમાં દબાણ દૂર કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ, ચંપાબેન પટેલે કાર્યવાહી રોકવા નવસારી સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ મુદ્દે કોઈ સ્ટે કે મનાઈ હુકમ આપ્યો નહોતો. કોર્ટ તરફથી કોઈ રાહત ન મળતાં પંચાયત માટે દબાણ હટાવવાનો રસ્તો ખુલ્લો થયો હતો. ગત 31 ઓગસ્ટના રોજ વાડા ગ્રામ પંચાયતના સરપંચ વિમલભાઈ પટેલ અને તેમની ટીમે પોલીસ ટીમને સાથે રાખીને જેસીબી વડે રસ્તા પરની ગેરકાયદે દીવાલ તોડીને રસ્તો ખુલ્લો કર્યો. પંચાયતે માનવતા દાખવીને અંદાજે 45 ફૂટ જેટલો તબેલો અને પાર્કિંગ શેડ સુરક્ષિત રહે તેનું ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં, જ્યાં જરૂર જણાઈ ત્યાં શેડને ટેકા પણ આપ્યા હતા. સામે પક્ષે આખેઆખો તબેલો તોડી પાડવામાં આવ્યો હોવાની ખોટી રજૂઆતો કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો, જોકે ગ્રામ પંચાયતે કાયદાની મર્યાદામાં રહીને માત્ર જાહેર રસ્તા પરનું નડતરરૂપ દબાણ જ દૂર કર્યું હોવાનું સ્પષ્ટ કર્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *