વાપી નજીક કોલક નદીના બ્રિજ પર મંગળવારે એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર ચારેય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આગના કારણે વાપીથી વલસાડ તરફનો વાહનવ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ચાર વ્યક્તિઓ વાપીની એક કંપનીમાંથી કામ પતાવી નવસારીના બીલીમોરા અને ચીખલી તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા. કોલક નદીના બ્રિજ પર પહોંચતા જ તેમની કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. પરિસ્થિતિની ગંભીરતા પારખીને, કારમાં સવાર તમામ ચારેય વ્યક્તિઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાપી મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને કારણે બ્રિજ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેના લીધે વાપીથી વલસાડ તરફ જતા વાહનચાલકોને થોડા સમય માટે અગવડ પડી હતી. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
વાપીમાં કોલક નદી બ્રિજ પર કારમાં આગ લાગી:ચાર મુસાફરોનો આબાદ બચાવ, વાહનવ્યવહાર પ્રભાવિત
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
