વાપીમાં પેટ્રોલપંપ મેનેજરને જેલની ધમકી આપનાર કથિત પત્રકાર સામે FIR:ભેળસેળયુક્ત પેટ્રોલનો ખોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગ્યાનો આક્ષેપ

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

વાપી GIDC ચાર રસ્તા પાસે આવેલા એચ.એમ. વૈદ્ય પેટ્રોલપંપના મેનેજરને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી પૈસાની માંગણી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પેટ્રોલમાં ભેળસેળ થતી હોવાનો ખોટો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાના આક્ષેપમાં સોશિયલ મીડિયાના કથિત પત્રકાર સોનિયા ચૌહાણ અને મનોજ રાવલ સામે વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પ્લાસ્ટિકની બોટલમાં પ્રવાહી લઈ પંપ પર પહોંચ્યો
વાપીના ડુંગરા ગામના કુંભારવાડ ફળિયામાં રહેતા વિનોદભાઈ કેશુરભાઈ ધોડીયા પટેલે ફરિયાદ નોંધાવી છે. તેઓ એચ.એમ. વૈદ્ય પેટ્રોલપંપમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ, 22 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે મનોજ રાવલ નામનો વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પાણી મિશ્રિત પ્રવાહી લઈને પેટ્રોલપંપ પર આવ્યો હતો. તેણે કર્મચારીઓ સાથે ઝઘડો કરી પેટ્રોલમાં ભેળસેળ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. નોઝલમાંથી પેટ્રોલ કાઢીને બતાવ્યું છતાં વીડિયો બનાવાયો
પંપના કર્મચારીઓએ નોઝલમાંથી પેટ્રોલ કાઢીને તે ચોખ્ખું હોવાનું બતાવ્યું હતું. તેમ છતાં મનોજ રાવલે આ વાત સ્વીકારી નહોતી અને સોશિયલ મીડિયા તથા પત્રકારોને બોલાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ સફેદ રંગની ક્વાઇડ કાર નંબર DD-03-M-0552માં સોનિયા ચૌહાણ ત્યાં આવી પહોંચી હતી. તેણે પોતે ‘DARE MEDIA VAPI’ની સોશિયલ મીડિયા પત્રકાર તરીકે ઓળખ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પંપ બંધ કરાવી દેવાની અને જેલમાં પુરાવવાની ધમકી
ફરિયાદ મુજબ, સોનિયા ચૌહાણે પંપ સંચાલકોની પરવાનગી વિના માઈક અને કેમેરાથી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. પંપ સંચાલકોએ સમગ્ર હકીકત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની, પુરવઠા વિભાગ અને પોલીસમાં ફરિયાદ કરીને પંપ બંધ કરાવી દેવાની તેમજ જેલમાં પુરાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. વીડિયો વાયરલ ન કરવા માટે પૈસાની માંગણી
આરોપીઓએ વીડિયો વાયરલ ન કરવા બદલ પૈસાની માંગણી કરી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે. જોકે, પંપ સંચાલકોએ કોઈ ખોટું કામ કર્યું ન હોવાનું જણાવી પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. BNSની કલમો હેઠળ ગુનો, PSIને તપાસ સોંપાઈ
વિનોદભાઈ પટેલની ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે સોનિયા ચૌહાણ અને મનોજ રાવલ વિરુદ્ધ BNSની કલમ 308(6), 351(2) અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની વધુ તપાસ PSI લાલસિંગભાઈ વસાવાને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *