વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મહત્વના ઠરાવો મંજૂર:ઈસ્ટ સાઈડમાં ફાયર સ્ટેશન અને કમ્યુનિટી હોલ બનશે; 13 વોર્ડ માટે અલગ-અલગ 13 સફાઈ એજન્સીઓ ફાઇનલ

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

વાપી મહાનગરપાલિકાની ઓક્ટોબર માસની સામાન્ય સભા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈની ઉપસ્થિતિમાં મળી હતી. આ સભામાં શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ફાયર સ્ટેશન, કમ્યુનિટી હોલ તેમજ સફાઈ વ્યવસ્થા અને વિસ્તરણ પામેલા વિસ્તારોના બાંધકામ સંબંધિત મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જમીન સંપાદન અને સફાઈ એજન્સીઓની નિમણૂંક
વાપી ઈસ્ટ સાઈડના કરવડ વિસ્તારમાં તાત્કાલિક ફાયર સ્ટેશન બનાવવા માટે અને વટાર વિસ્તારમાં કમ્યુનિટી હોલ તૈયાર કરવા જમીન અધિગ્રહણનો ઠરાવ કરાયો છે. સાફ-સફાઈની કામગીરી સુદ્રઢ બનાવવા 13 વોર્ડ માટે નવી અલગ-અલગ 13 એજન્સીઓ નક્કી કરાઈ છે. જૂની એજન્સી પાસે પૂરતું માણસબળ ન હોવાથી પડતી મુશ્કેલીઓ નિવારવા દરેક નવી એજન્સીએ ફરજિયાત 20 થી 30 માણસો ફાળવવાના રહેશે. સમાવિષ્ટ ગામો માટે ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી
મહાનગરપાલિકામાં જોડાયેલા 11 ગામોનો અત્યાર સુધી અટકેલો વિકાસ પ્લાન આખરે તૈયાર થઈ જતાં આ સભામાં તેને મંજૂરી આપવામાં આવી છે. આ પ્લાન હવે રાજ્ય સરકારને સુપરત કરાશે, જેથી ગેઝેટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવાળી પછી નાગરિકોને મકાન બાંધકામની પરવાનગીઓ મળી શકશે. આ નિર્ણય દ્વારા જૂની વાપીની જેમ જ આ 11 ગામોના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *