વાપીના સેલવાસ રોડ પર આવેલા પાવરવિંગ બાઇક શો-રૂમમાંથી બે નવી મોપેડની ચોરી થઈ છે. શો-રૂમના જ વોશિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીએ ₹1.55 લાખની કિંમતની બે TVS જુપીટર મોપેડ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. શો-રૂમના જનરલ મેનેજર કૃણાલ ગૌરાંગભાઇ દેસાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 21 ઓગસ્ટના રોજ અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાં સ્ટોક ચકાસણી દરમિયાન બે મોપેડ ઓછી જણાઈ હતી. જેમાં ₹82,000ની સ્ટરલાઇટ બ્લુ TVS જુપીટર અને ₹73,000ની મેટબ્લેક TVS જુપીટરનો સમાવેશ થાય છે. મોપેડ ગાયબ હોવા અંગે કર્મચારીઓની પૂછપરછ કરાતાં, છેલ્લા બે વર્ષથી વોશિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો જીગર શંકરભાઇ બરૂડીયા (રહે. કંચનનગર, સેલવાસ રોડ, વાપી) ગેરહાજર હતો. શંકા જતાં તેને શો-રૂમ પર બોલાવી CCTV ફૂટેજ ચેક કરવાની વાત કરતાં જ જીગરે બંને મોપેડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જીગરે એક-બે દિવસમાં મોપેડ પરત આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પાળ્યું ન હતું. આખરે, શો-રૂમના જનરલ મેનેજરે વર્કશોપ મેનેજર ગૌરાંગ પંચાલ સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી જીગર બરૂડીયા સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ASI જોમેશકુમાર ગુર્જર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
વાપી શો-રૂમમાંથી કર્મચારીએ મોપેડ ચોરી કરી:₹1.55 લાખની બે TVS જુપીટર ચોરનાર વોશિંગ બોય સામે FIR
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
