મહેસાણા ટાઉનહોલમાં આજે મહેસાણા મનપાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં 12 જેટલા વિકાસકાર્યો અને દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. દિવાળી અગાઉ મળેલી આ સાધારણ સભામાં વિરોધપક્ષ દ્વારા સ્વદેશી મેળાના ખર્ચના આયોજન, કન્વેન્શન સેન્ટર તેમજ મનપાના નવા બિલ્ડિંગની જગ્યા બાબતે વિરોધ નોંધાવીને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. જો કે, આ તમામ વિરોધ અને સૂચનો વચ્ચે ભાજપ શાસિત મહેસાણા મનપા દ્વારા બહુમતીથી તમામ દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે. કન્વેન્શન સેન્ટરની દરખાસ્ત મંજૂર
મેયર સોનલ ઓઝાની અધ્યક્ષતામાં મળેલી આ સામાન્ય સભામાં મંજૂર કરાયેલી મુખ્ય દરખાસ્તોમાં ગત સામાન્ય સભાનું પ્રોસિડિંગ બહાલ રાખવાની સાથે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કારીગરો, એસ.એચ.જી. બહેનો અને લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે યોજાનાર સ્વદેશી મેળાનો તમામ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહત્વના વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર સમાન મહેસાણા શહેરમાં સેમિનાર, પ્રદર્શનો અને કોન્ફરન્સ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ કન્વેન્શન સેન્ટર ઊભુ કરવા માટે સ્થળ નિર્ધારણ અને પીએમસી કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક અંગેની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. શિલ્પા ગેરેજ સામે નવી મનપા કચેરી અપાશે
મહાનગરપાલિકાની હાલની કચેરી જૂની હોવાથી અને અપૂરતી જગ્યા હોવાના કારણે નવી મુખ્ય કચેરી બનાવવા માટે શિલ્પા ગેરેજની સામે આવેલા સિટી સર્વે નંબર 3162ની જગ્યા ફાળવવા અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવા માટે પણ સત્તાવાર મહોર મારવામાં આવી છે. સાધારણ સભામાં જન્મ-મરણ શાખાના કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજૂર કરવા ઉપરાંત, મહિલાઓની સુરક્ષા અને સુવિધા માટે વિશિષ્ટ વિશ્રામ વ્યવસ્થાઓ ઊભી કરવાના ખર્ચને મંજૂરી અપાઈ છે. ‘વડીલ વંદના આરોગ્ય યોજના’ અને ટી.પી. સ્કીમોને લીલી ઝંડી
સાથે જ ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના મોડેલ બાયલોઝના અમલીકરણ અને 79 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તેમજ મહિલા સફાઈ મિત્રોના આરોગ્ય માટે ‘વડીલ વંદના આરોગ્ય સેવા યોજના’ અમલમાં મૂકવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં નગર રચના યોજના નં. 12 (નાગલપુર)નો ઈરાદો જાહેર કરવા, ટી.પી. યોજના નં. 3 ના પ્લોટો અંગે અનુમોદન તેમજ ટી.પી. યોજના નં. 13 અને 14ની નીમતાણા ફી ભરવા અંગેની બાબતોને પણ સર્વાનુમતે બહાલ કરવામાં આવી છે.
વિરોધ પક્ષના વિરોધ છતાં તમામ એજેન્ડા સર્વાનુમતે પાસ:મહેસાણા મનપાની સામાન્ય સભામાં કન્વેન્શન સેન્ટર અને નવી મુખ્ય કચેરી બનાવવા સહિતની દરખાસ્તો મંજૂર
📅 Published: October 30, 2026 |
📂 Category: gujarati-news
