વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસ્લિમોમાં શહબાઝ-મુનીર નંબર-1:‘મક્કા સમજૂતી’ બન્યું મુખ્ય કારણ; ટોપ-50માં મૌલાના મદની એકમાત્ર ભારતીય, શાહરૂખ-આમિર પણ યાદીમાં

📅 Published: November 17, 2026 | 📂 Category: International

પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફની જોડીને 2027ના વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આ યાદી જોર્ડનના થિંક ટેંક રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર (RISSC) દ્વારા જાહેર કરવામાં આવી છે. 2026ની યાદીમાં આસિમ મુનીર અને શહબાઝ શરીફ ટોપ-50માં નહોતા. 2027ની યાદીમાં બંને સાઉદી અરેબિયાના કિંગ સલમાન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગન સાથે સંયુક્ત રીતે નંબર-1 પર છે. પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે આ જ વર્ષે મક્કા સમજૂતી થઈ છે. તેના હેઠળ જો કોઈ એક દેશ પર હુમલો થાય છે, તો બાકીના બંને દેશો પણ તેને પોતાના પરનો હુમલો માનશે અને તેની મદદ કરશે. યાદીમાં ભારતમાંથી જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની ટોપ-50માં સામેલ એકમાત્ર ભારતીય છે. તેમને 18મું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે તેઓ 16મા ક્રમે હતા. સુપ્રીમ લીડર મોજતબા ખામેની ચોથા નંબર પર RISSC 2009થી દર વર્ષે ‘ધ મુસ્લિમ 500’ નામની યાદી જાહેર કરી રહ્યું છે. છેલ્લાં 18 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે પાંચ નેતાઓને એકસાથે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. 2027ની યાદીમાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેની ચોથા નંબરે છે. ત્યારબાદ કતરના શેખ તમીમ બિન હમદ અલ-થાની પાંચમા અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા છઠ્ઠા નંબરે છે. પાકિસ્તાનના મુફ્તી તકી ઉસ્માની સાતમા અને યમનના હૂતી નેતા અબ્દુલ-મલિક અલ-હૂતી 17મા નંબરે છે. અફઘાનિસ્તાનના તાલિબાન સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુન્દઝાદા, સીરિયાના અહમદ અલ-શરા અને ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો પણ ટોપ-50માં સમાવેશ થાય છે. ટોપ-50માં સામેલ એકમાત્ર ભારતીય મૌલાના મહમૂદ મદની કોણ છે? મૌલાના મહમૂદ મદની જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ છે. આ સંગઠનની સ્થાપના 1919માં દેવબંદના ઇસ્લામિક વિદ્વાનોએ કરી હતી. સંગઠને ઐતિહાસિક રીતે ધર્મના આધારે અલગ રાષ્ટ્રીય ઓળખ બનાવવાના વિચારનો વિરોધ કર્યો અને તમામ સમુદાયો સાથે મળીને રહેવાની વાત કરી. મહમૂદ મદનીએ 1992માં દારુલ ઉલૂમ દેવબંદમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમના દાદા હુસૈન અહમદ મદની 1957 સુધી જમિયતના પ્રમુખ રહ્યા. ત્યાર બાદ તેમના પિતા અસદ મદનીએ સંગઠનની કમાન સંભાળી. 2006માં પિતાના અવસાન બાદ સંગઠનમાં નેતૃત્વને લઈને વિવાદ થયો હતો. મહમૂદ મદની 2001થી 2021 સુધી સંગઠનના મહાસચિવ રહ્યા. ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અહેવાલમાં લઘુમતીઓના અધિકારો, નાગરિકતા અને ધાર્મિક સ્વતંત્રતા માટેની તેમની કાનૂની લડતનો ઉલ્લેખ છે. પ્રભાવશાળી 500 મુસ્લિમોમાં આ ભારતીયો પણ સામેલ મૌલાના મહમૂદ મદની ઉપરાંત AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી અને દાઉદી બોહરા સમુદાયના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ 500 લોકોની યાદીમાં સામેલ છે. બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન અને શબાના આઝમી સાથે સંગીતકાર એઆર રહેમાનનું નામ પણ આ યાદીમાં સામેલ છે. શાહી સંરક્ષણ હેઠળ કાર્ય કરે છે RISSC જોર્ડનનું રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર (RISSC) ઇસ્લામિક દુનિયા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કાર્ય કરતી એક જાણીતી સંશોધન સંસ્થા છે. આ સંસ્થા વર્ષ 2009થી દર વર્ષે ‘ધ મુસ્લિમ 500’ નામે એક અહેવાલ બહાર પાડે છે. તેમાં વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમ વ્યક્તિત્વોની યાદી તૈયાર કરવામાં આવે છે. આ અહેવાલમાં રાજકારણ, ધર્મ, શિક્ષણ, વેપાર, વિજ્ઞાન, મીડિયા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મુસ્લિમ વ્યક્તિત્વોને સામેલ કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ એ ઓળખવાનો છે કે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ અને ઇસ્લામિક દુનિયા પર કયા લોકોનો સૌથી વધુ પ્રભાવ છે. RISSC, જોર્ડનના રોયલ આલ અલ-બૈત ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇસ્લામિક થોટ સાથે સંકળાયેલું છે. આ સંસ્થા જોર્ડનના શાહી પરિવારના સંરક્ષણ હેઠળ કાર્ય કરે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *