વિશ્વાસનો ફાયદો ઉઠાવી કરોડો ચાઉં કરી લીધા:બિલ્ડરે એકાઉન્ટન્ટને સહી કરેલી કોરી ચેકબુકો આપી, 16 મહિનામાં 1.23 કરોડ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન કંપનીના એકાઉન્ટન્ટે બિલ્ડરના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ₹1.23 કરોડની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપી એકાઉન્ટન્ટે સહી કરેલા કોરા ચેકોમાં મજૂરી કામના ચૂકવણા બતાવી પોતાના અંગત પરિચિતોના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. કંપનીના ઓડિટ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટતાં બિલ્ડરે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. વિશ્વાસ કેળવી સહી કરેલી ચેકબુક મેળવી
ઘોડાસરમાં રહેતા શરદ પટેલ સીટીએમ ખાતે અનમોલ આંગન કોમ્પ્લેક્સમાં ‘મહાદેવ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમની કંપનીમાં મણિનગરનો માર્મિક પંડ્યા છેલ્લા દસ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. લાંબા સમયથી કામ કરતો હોવાથી બિલ્ડરે તેના પર વિશ્વાસ મૂકીને પેમેન્ટ ચૂકવવા માટે સહી કરેલી કોરી ચેકબુક તેની પાસે રાખી હતી. ઓગસ્ટ 2024 થી નવેમ્બર 2025 દરમિયાન કૌભાંડ
ઓગસ્ટ, 2024થી નવેમ્બર, 2025 દરમિયાન માર્મિક પંડ્યાએ ચેકોમાં પોતાની રીતે રકમ ભરીને અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી દીધી હતી. તેણે ટેલી સોફ્ટવેરમાં આ એન્ટ્રીઓ લેબર ચાર્જ (મજૂરી ખર્ચ) તરીકે દર્શાવી હતી. તાજેતરમાં જ્યારે કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા ઓડિટ કરવામાં આવ્યું ત્યારે લેબર પેમેન્ટ સંબંધિત બિલ માંગવામાં આવ્યા હતા. ફાઇલમાં બિલ ન મળતાં તપાસ કરવામાં આવતાં ટ્રાન્સફર થયેલી રકમ કંપની સાથે જોડાયેલા ન હોય તેવા અજાણ્યા વ્યક્તિઓના ખાતામાં ગઈ હોવાનું સામે આવ્યું હતું. ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
આરોપીએ કુલ ₹1.23 કરોડની રકમ પોતાના મળતિયાઓના ખાતામાં જમા કરાવી વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવતાં બિલ્ડર શરદ પટેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં માર્મિક પંડ્યા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *