વેરાવળના ગાંધી ચોકમાં ટ્રાન્સફોર્મર પાસે આગ લાગી:કચરાના ઢગલાને કારણે ઘટના, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળ શહેરના ગાંધી ચોક, વખારીયા બજાર પાસે આવેલા સબ-સ્ટેશન (ટ્રાન્સફોર્મર) નજીક અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રાન્સફોર્મર પાસેથી ધુમાડો નીકળતા આસપાસના સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વેપારી પ્રદીપભાઈ ગોપલાનીએ તાત્કાલિક PGVCL (વીજ કંપની) અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ મિની ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. આ ઘટના બાદ સ્થાનિકો અને વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સામાજિક કાર્યકર અશ્વિન સુયાણીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. અહીં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની યોગ્ય સુવિધા ન હોવાથી દુકાનદારો કચરો ટ્રાન્સફોર્મર/સબ-સ્ટેશન નજીક નાખી દેતા હોય છે. આ કચરાના ઢગલાને કારણે અવારનવાર આગ લાગે છે. સ્થાનિક વેપારી પ્રદીપ ઈશ્વરલાલ ગોપલાણીએ જણાવ્યું કે, તેમની દુકાનની સામે આવેલા સબ-સ્ટેશનમાં અચાનક આગ લાગતા તેમણે PGVCL અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે આવીને આગ પર કાબૂ મેળવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અઠવાડિયામાં વારંવાર કચરાના કારણે આગ લાગે છે. તેમણે નગરપાલિકા અને PGVCL બંને સંયુક્ત રીતે આ કચરાનો યોગ્ય નિકાલ કરી કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી છે. વેરાવળના વેપારીઓ અને સ્થાનિકોએ તંત્ર દ્વારા આ વિસ્તારમાં નિયમિત સફાઈ થાય અને ટ્રાન્સફોર્મર પાસે કચરો એકઠો ન થાય તે માટે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *