ભારતમાં ગણેશ ચતુર્થીના દિવસથી ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરવાની પરંપરા છે. શ્રદ્ધાળુઓ બંને સમય પૂજા-આરતી કરીને વિઘ્નહર્તા ગણપતિ બાપાને રીઝવે છે. જોકે, આજના આધુનિક યુગમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને કેમિકલ કલરથી બનેલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે. આવી મૂર્તિઓનું નદી કે દરિયામાં વિસર્જન કરવાથી પાણીમાં રહેલા જીવો માટે જોખમ ઊભું થાય છે અને પાણી પણ પ્રદૂષિત થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, વેરાવળની 12 વર્ષની ત્રિશા અશોકભાઈ ગદા છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ જાળવણીની પહેલ કરી રહી છે. તે પોતાની સહેલીઓ સાથે મળીને પોતાના નિવાસસ્થાન ‘વ્રજધામ’માં સાદી માટીમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિઓને મુગટ અને સાદા શણગારથી સજાવીને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. પરિવારના સભ્યો શ્રદ્ધાપૂર્વક બંને સમય આરતી અને ભોગ ધરાવે છે. વિસર્જન સમયે, મૂર્તિને એક કુંડામાં પાણી નાખીને વિસર્જિત કરવામાં આવે છે. ત્યારબાદ તે જ કુંડામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ રીતે, ત્રિશા ભક્તિ અને પર્યાવરણ જાળવણી બંનેનો સંદેશ આપે છે. આજના યુગમાં દેખાદેખીથી દૂર રહીને પર્યાવરણની સુરક્ષા માટે ત્રિશાની આ પહેલ પ્રશંસનીય છે. તેના પિતા અશોકભાઈ મગનલાલ ગદા અને માતા દક્ષાબેન અશોકભાઈ ગદાને ગીર સોમનાથ જિલ્લામાં પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખવામાં આવે છે.
વેરાવળની ત્રિશાએ માટીના ગણપતિ બનાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો:સેન્ટ મેરી સ્કૂલની ધોરણ 7ની વિદ્યાર્થીનીની પહેલને સમાજે બિરદાવી
📅 Published: September 22, 2026 |
📂 Category: gujarati-news
