ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના ૭૮માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સરદારસિંહ રાણા (કે.સી.સી) મેદાનમાં કલેક્ટરએ તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સાથે પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. કલેક્ટરએ ઉપસ્થિત સૌ નગરજનોને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે દેશને આઝાદી અપાવવા માટે શહીદ થયેલા નામી-અનામી વીરોનું સ્મરણ કરી, ભારતની આઝાદીને વિકસતી રાખવા કટિબદ્ધ થવાનો અવસર ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આવેલું છે. ગાંડી ગીર, કેસર કેરી અને કેસરી સિંહનું સાયુજ્ય ધરાવતા આ જિલ્લાએ હંમેશા વિકાસની દોડમાં અગ્રેસર રહી કાર્ય કર્યું છે. આ ઉજવણી દરમિયાન કલેક્ટર અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ વેરાવળ પ્રાંત અધિકારી જે.વી.કાકડિયાને તાલુકાના વિકાસ કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો. પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એન.સી.સી પ્લાટૂન અને બેન્ડ પ્લાટૂને દેશભક્તિસભર સુરાવલીઓ સાથે પરેડ યોજી હતી. વિદ્યાર્થીઓએ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર સૈનિકોની સાહસ, વીરતા અને શૌર્યસભર ગાથા રજૂ કરી હતી. અન્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં કથ્થક નૃત્ય, જૂડો-કરાટે સહિતના શારીરિક કરતબો અને ગરબા જેવા કાર્યક્રમો ગીર સોમનાથની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા. કાર્યક્રમના અંતે વંદે માતરમના ગાન સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે ગ્રીન ગુજરાતની વિભાવનાને સાકાર કરે છે. આ ઉજવણીમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત અનેક રાજકીય, સામાજિક અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી:કલેક્ટર વાઘેલાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું, સન્માન કરાયું
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
