વેરાવળમાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક અને દરિયાઈ પેટ્રોલિંગ:સામાજિક-ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં કોમી સૌહાર્દ જાળવવા ચર્ચા

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી ઈદ-એ-મિલાદ, પવિત્ર શ્રાવણ માસ અને અન્ય ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક સામાજિક, ધાર્મિક, જ્ઞાતિ અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવી રાખવા અંગે જરૂરી ચર્ચાઓ કરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી. એલ.સી.બી. પોલીસ વિભાગના પી.આઈ. એમ. કે. વણારકાએ આ બેઠકના આયોજનમાં સહયોગ આપ્યો હતો. વેરાવળ વિસ્તાર લાંબો દરિયાકિનારો ધરાવે છે અને સોમનાથ મંદિરના ધાર્મિક મહત્વ તથા સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત કરવાના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેરાવળ પોર્ટ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ અને આશરે ૩ કિલોમીટર જેટલા દરિયાઈ વિસ્તારમાં મરીન પેટ્રોલિંગ યોજાયું હતું. આ ઉપરાંત, માછીમારો અને આગેવાનોને મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ફિશિંગ સીઝન શરૂ થઈ ગઈ હોવાથી તમામ માછીમારોએ નિયમ મુજબ ટોકન લઈને જ દરિયામાં જવું ફરજિયાત છે. ટોકન વગર જતી બોટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરિયામાં કોઈ બિનવારસી કે અવાવરૂ બોટ અથવા શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવા પણ જણાવાયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *