વેરાવળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, કલેક્ટરે ધ્વજવંદન કર્યું:કથક નૃત્ય, દેશભક્તિ ગીતો, ‘ઓપરેશન સિંદૂર’ આધારિત કૃતિ સહિતની પ્રસ્તુતિઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ સહિત અગણિત સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનને યાદ કર્યા હતા. ગીર સોમનાથની વિશિષ્ટ ઓળખનો ઉલ્લેખ કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, ગાંડી ગીર, કેસર કેરી અને કેસરી સિંહનું સાયુજ્ય ધરાવતો આ જિલ્લો 110 કિ.મી.થી વધુ લાંબા દરિયાકિનારા સાથે કુદરતી અને આર્થિક સંપદાથી સમૃદ્ધ છે. તેમણે મત્સ્યઉદ્યોગ, કૃષિ, પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે જિલ્લાની પ્રગતિ પર ભાર મૂક્યો હતો. જિલ્લામાં વાર્ષિક 2.5 લાખ મેટ્રિક ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન થાય છે અને રૂ.3,500 કરોડથી વધુના સી-ફૂડની નિકાસ થાય છે, જે મત્સ્યઉદ્યોગની મહત્તા દર્શાવે છે. કલેક્ટરે તાલાલાની કેસર કેરીના વૈશ્વિક બ્રાન્ડિંગ, પ્રાકૃતિક ખેતી, ગીરગઢડાની ‘મોડલ સોલર વિલેજ’ અને સોમનાથના પ્રવાસન વિકાસ સહિતની કામગીરીની પણ વિગતો આપી હતી. સોમનાથ રેલવે સ્ટેશનને રૂ.115 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય ટર્મિનલમાં વિકસાવવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં આગવું યોગદાન આપનાર 88 વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વેરાવળ તાલુકાના વિકાસકાર્યો માટે પ્રાંત અધિકારીને રૂ.25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સમારોહમાં વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓમાં સેન્ટ મેરી સ્કૂલનું બેન્ડ પરફોર્મન્સ, ભીડિયા સરકારી માધ્યમિક શાળાનું કથક નૃત્ય, ચોકસી કોલેજની ‘ઓપરેશન સિંદૂર’ આધારિત કૃતિ, દેશભક્તિ ગીતો, પિરામિડ, મિક્સ ફ્યુઝન, રાસ અને મહિલા કોલેજની સ્વરક્ષણ તાલીમનો સમાવેશ થાય છે. આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સમાપન ‘વંદે માતરમ’ અને રાષ્ટ્રગીતના ગાન સાથે થયું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. કલેક્ટરે દેશના વિકાસમાં જનભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી સૌને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. આ સમારોહમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *