પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને મુસાફરોની સુવિધા અને સારી કનેક્ટિવિટી માટે વેરાવળ-હરિદ્વાર-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર 09203/09204ને કેશોદ રેલવે સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપ્યું છે. આ સ્ટોપેજ 20 ઓક્ટોબર, 2026થી લાગુ પડશે. વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09203 વેરાવળ-હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 20 ઓક્ટોબર, 2026થી કેશોદ સ્ટેશન પર સાંજે 4:39 વાગ્યે આવશે અને 4:40 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09204 હરિદ્વાર-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ 21 ઓક્ટોબર, 2026થી કેશોદ સ્ટેશન પર સવારે 8:56 વાગ્યે આવશે અને 8:57 વાગ્યે ઉપડશે. કેશોદ સ્ટેશન પર આ વધારાના સ્ટોપેજથી આસપાસના વિસ્તારોના મુસાફરોને હરિદ્વાર સહિત રસ્તામાં આવતા અલગ-અલગ મહત્વના શહેરો સાથે સારી રેલ કનેક્ટિવિટી મળશે. આનાથી સ્થાનિક મુસાફરોને આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની સુવિધાનો લાભ લેવામાં વધુ સરળતા રહેશે. ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ રેલવે દ્વારા અપાયેલા આ વધારાના સ્ટોપેજનો વધુમાં વધુ લાભ લે અને પોતાની મુસાફરીને આરામદાયક બનાવવા માટે રેલવે સેવાઓનો ઉપયોગ કરે. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલાં ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંચાલન સંબંધિત નવી માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી લે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા, સરળ મુસાફરી અને સારી મુસાફર સેવાઓ આપવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
વેરાવળ-હરિદ્વાર ટ્રેનને કેશોદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ મળ્યું:સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 09203/09204ને 20 ઓક્ટોબર, 2026થી લાગુ પડશે
📅 Published: September 23, 2026 |
📂 Category: gujarati-news
