સુરતના વેસુ વિસ્તારમાં મામૂલી બોલાચાલી અને ગાળાગાળી બાબતે થયેલા ઝઘડાએ ગુરુવારે મોડીરાત્રે લોહીયાળ વળાંક લીધો હતો. વેસુમાં આવેલી એક ઇલેક્ટ્રિક દુકાને સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ શાહની નામના શખ્સે તેના જ મિત્ર મુકુલ બાદશાહ ઠાકુરની ગળાના ભાગે ચાકુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી છે. દુકાન માલિક સાથે થયેલી ઉગ્ર બોલાચાલીમાં મુકુલ વચ્ચે પડીને સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ જીતેન્દ્રએ તેને જ મોતને ઘાટ ઉતારી આ હત્યાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આરોપી જીતેન્દ્રની અટકાયત કરી લીધી છે. દુકાન માલિક સાથે ગાળાગાળી અને બોલાચાલીથી શરૂ થયો ઝઘડો
પોલીસ ફરિયાદ મુજબ, વેસુના હેગડેવાડ નગર ખાતે ‘સિંગ ઇલેક્ટ્રીક’ નામની દુકાન ચલાવતા સુરજ રાજપૂતની દુકાને 24 સપ્ટેમ્બરની રાત્રે સાડા નવેક વાગ્યે મુકુલ ઠાકુર અને જીતેન્દ્ર આવ્યા હતા. દુકાન પર ઉભા રહેવા દરમિયાન જીતેન્દ્રએ દુકાન માલિક સુરજને “તને લાગે છે કે તું અહીનો શેઠ છે…” કહીને મહેણું માર્યું હતું. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી. આ સમયે મુકુલે વચ્ચે પડીને જીતેન્દ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને બોલાચાલી શાંત પાડી તે જીતેન્દ્રને બાઈક પર બેસાડીને ઘરે મૂકી આવ્યો હતો. સમાધાનના પ્રયાસ વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી અને લોહીયાળ ખેલ
જીતેન્દ્રને ઘરે મૂકીને મુકુલ પરત દુકાને આવ્યો હતો અને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ રાત્રે સવા દસ વાગ્યાની આસપાસ અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી ઉશ્કેરાયેલો જીતેન્દ્ર ફરીથી દુકાને ધસી આવ્યો હતો. અહીં તેણે ફરીથી ઝઘડો અને બોલાચાલી શરૂ કરી હતી. મુકુલ ફરી એકવાર જીતેન્દ્રને સમજાવવા માટે દુકાનની પાછળના ભાગે લઈ ગયો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેમાં રાત્રે પોણા અગિયાર વાગ્યાના સુમારે જીતેન્દ્રએ પોતાની પાસે રહેલા ચાકુથી મુકુલના ગળાના ડાબા ભાગે જીવલેણ ઘા મારી દીધો હતો. ઝપાઝપીમાં લોકોએ આરોપીને પકડ્યો
મુકુલને ચાકુ માર્યા બાદ લોહીલુહાણ હાલતમાં જોઈને દુકાનમાં હાજર યુવકે બૂમાબૂમ કરી હતી. દુકાન માલિક સુરજ દોડીને ત્યાં પહોંચ્યો ત્યારે જીતેન્દ્ર હાથમાં ચાકુ લઈને તેની તરફ પણ હુમલો કરવા ધસ્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જીતેન્દ્રએ સુરજને ગરદનથી પકડીને નીચે દબાવી દીધો હતો, પરંતુ બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને આરોપીને પકડી લીધો હતો. આ ઝપાઝપીમાં નીચે પટકાતા આરોપી જીતેન્દ્રને પણ મોઢા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. સિવિલમાં યુવકનું મોત અને પોલીસ તપાસ શરૂ
સામાન્ય બોલાચાલીમાંથી સર્જાયેલી આ ગંભીર ઘટના બાદ લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ મુકુલને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઈજાગ્રસ્ત આરોપી જીતેન્દ્રને પણ પોલીસ જાપ્તા હેઠળ બીજી એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વેસુ પોલીસે દુકાન માલિકની ફરિયાદના આધારે જીતેન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
વેસુમાં સમજાવવા જતાં મિત્રએ જ ગળામાં ચાકુના ઘા ઝીંક્યાં:દુકાનદાર સાથેની બોલાચાલી શાંત પાડવા ગયેલા મુકુલને ઉશ્કેરાયેલા જીતુએ મોતને ઘાટ ઉતાર્યો
📅 Published: September 25, 2026 |
📂 Category: gujarati-news
