વોકેશનલ ટ્રેનરોના વેતનમાં કાપ સામે આવેદનપત્ર. ​:જૂનાગઢમાં 80 જેટલા વોકેશનલ ટ્રેનરોએ PAB મુજબ માસિક ₹24,000 વેતન પૂરું ચૂકવવાની માંગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવ્યું આવેદનપત્ર .

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

​જૂનાગઢ જિલ્લાના કુલ 80 જેટલા વોકેશનલ ટ્રેનરો દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ (PAB) દ્વારા વર્ષ 2026-27 ની મંજૂરી મુજબ મંજૂર થયેલ માસિક ₹24,000 વેતન પૂરેપૂરું ચૂકવવા બાબતે વિનંતી કરવામાં આવી છે. ​કેન્દ્ર સરકારના PAB દ્વારા વર્ષ 2026-27 માટે વોકેશનલ ટ્રેનર્સ માટે પ્રતિ માસ ₹24,000 વેતન મંજૂર કરવામાં આવ્યું હોવા છતાં, તેમને આ મંજૂર થયેલ માસિક ફિક્સ પગાર આપવાના બદલે માત્ર ચાલુ દિવસના ₹700 લેખે દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં, રવિવાર, જાહેર રજાઓ અને વેકેશનના દિવસોનો પગાર પણ કાપી લેવામાં આવે છે. વોકેશનલ ટ્રેનરો ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓને મુખ્ય વિષયોની જેમ જ વોકેશનલ વિષયો ભણાવે છે અને ક્લાસરૂમ ટીચિંગ ઉપરાંત લેબ પ્રેક્ટિકલ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તથા બોર્ડની પરીક્ષાને લગતી તમામ જવાબદારીઓ નિયમિત શિક્ષકોની જેમ જ નિભાવે છે. કેન્દ્ર સરકારે જ્યારે સંપૂર્ણ માસિક વેતન મંજૂર કર્યું છે, ત્યારે રજાઓ કાપીને દૈનિક ધોરણે વેતન આપવું એ સ્પષ્ટ રીતે શ્રમનું અવમૂલ્યન અને આર્થિક શોષણ સમાન છે. વોકેશનલ શિક્ષક હાર્દિક માલમે જણાવ્યું હતું કે તેઓ શાળામાં વોકેશનલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આજે જૂનાગઢ જિલ્લાના કુલ 80 જેટલા વોકેશનલ ટ્રેનરો પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. તેમની મુખ્ય માંગણી એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ અપ્રૂવલ બોર્ડનું જે 24,000 રૂપિયા પ્રતિ માસ વેતન મંજૂર કરવામાં આવ્યું છે, તે મુજબ જ તેમને વેતન મળવાપાત્ર રહેવું જોઈએ. હાલમાં તેમને 700 રૂપિયા પ્રતિ દિવસ લેખે કામદારોની જેમ રાખવામાં આવ્યા છે, જેને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. ​તેમણે ઉમેર્યું હતું કે વેકેશન ખુલ્યા પછી છેલ્લા 5 માસથી તેમને સતત આ જ પ્રકારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, જેમાં રવિવારનો પગાર, જાહેર રજાઓનો પગાર તેમજ વેકેશનનો પગાર પણ મળતો નથી. આ તમામ પ્રકારની કપાત તાત્કાલિક ધોરણે બંધ કરીને PAB મુજબ પૂરેપૂરું 24,000 રૂપિયાનું વેતન પ્રતિ માસ ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *