નવસારીમાં ગેરકાયદેસર ઉંચા વ્યાજની વસૂલી અને ધમકીઓથી કંટાળીને એક સફાઈ કામદારે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મિત્રની લોનમાં જામીનદાર બન્યા બાદ વ્યાજખોરો દ્વારા સતત મળતી જાનથી મારી નાખવાની ધમકીઓના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે પોલીસે પીડિતની ફરિયાદના આધારે બે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામીનદાર બનતા વ્યાજખોરે દબાણ શરૂ કર્યું
ઘેલખડીના ભરત વિંઝુડાના મિત્ર દીપક સાતાવડેકરે 2020માં અમિત જોગડિયા પાસેથી ₹7 લાખ 7% માસિક વ્યાજે લીધા હતા. ભરત આ લોનના જામીનદાર બન્યા હતા. દીપક વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જતાં અમિતે જામીનદાર ભરત પર નાણાં ચૂકવવા માટે ભારે દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. ₹3,88,000 ચૂકવ્યા છતાં ધમકીઓ ચાલુ રહી
અમિત જોગડિયાએ ભરતને હાથ-પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ડરના માર્યા ભરતે સાસુ પાસેથી ઉછીના અને ઘરના નાણાં મેળવીને કુલ ₹3,88,000 ચૂકવી દીધા હતા. તેમ છતાં અનિલ કાઠી મારફતે વધુ નાણાંની માંગણી સાથે ધમકીઓ આપવાનું ચાલુ રખાયું હતું. સારવાર અર્થે ICUમાં દાખલ કરાયા
રોજરોજના ત્રાસ અને માનસિક ટોર્ચરથી કંટાળીને ભરતે 9 ઓક્ટોબર 2026ના રોજ ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પુત્ર હિરેને તેમને તાત્કાલિક સિવિલ અને ત્યારબાદ શ્રદ્ધા હોસ્પિટલના ICUમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો
બનાવની ગંભીરતા જોઈ નવસારી ટાઉન પોલીસના પીએસઆઈ પી. ડી. લુણસરે હોસ્પિટલ પહોંચીને ભરતની ફરિયાદ નોંધી હતી. પોલીસે મુખ્ય આરોપી અમીત રાઘવજી જોગડિયા અને અનિલ કાઠી વિરુદ્ધ નાણાં ધીરધાર અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેનાથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સફાઈ કામદારે ફિનાઈલ પીધું:મિત્રની 7 લાખની લોનના જામીનદાર બનવું ભારે પડ્યું, બે સામે ગુનો દાખલ
📅 Published: October 11, 2026 |
📂 Category: gujarati-news
