તાપી જિલ્લામાં વન્ય સંપત્તિની ગેરકાયદે હેરાફેરી અટકાવવા વન વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યારા સામાજિક વનીકરણ રેન્જના ચાપાવાડી ગામેથી બાતમીના આધારે ચોરીના ખેરના લાકડાં ભરેલી એક કાર સાથે કુલ ₹1,69,548 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં વન વિભાગે ગુનો નોંધીને કાયદેસરની તપાસ આગળ ધપાવી છે. બાતમીના આધારે નહેર કાંઠે દરોડો
ચાપાવાડી રાઉન્ડમાં વહેલી સવારે નહેરના કાંઠે એક શંકાસ્પદ કાર ઊભી હોવાની ચોક્કસ બાતમી વન વિભાગને મળી હતી. બાતમી મળતા જ વન વિભાગના રેન્જ સ્ટાફ, પોલીસ ટીમ અને સ્થાનિક ગ્રામજનોની હાજરીમાં ઘટનાસ્થળે પહોંચીને વાહનની તલાશી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન આ વાહનમાં તસ્કરીના લાકડાં હોવાનું માલૂમ પડ્યું હતું.
ગેરકાયદે ખેરના લાકડાં જપ્ત કરાયા
તપાસ દરમિયાન વાહનમાંથી વગર પાસ-પરમિટ ભરેલા ખેરના લાકડાંના 13 નંગ મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા પ્રાપ્ત ડેટા અનુસાર જપ્ત કરાયેલા ખેરના લાકડાંનું પ્રમાણ 0.540 ઘનમીટર છે. વગર પરવાનગીના આ લાકડાં તસ્કરીના હેતુસર જ ત્યાંથી પસાર કરવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રૂપિયા 1.69 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
વન વિભાગે વાહનમાં રહેલા ₹19,548 ની કિંમતના ખેરના લાકડાં અને ₹1,50,000 ની અંદાજિત કિંમતનું વાહન મળીને કુલ ₹1,69,548 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વન વિભાગ અને પોલીસ દ્વારા આ તસ્કરી પાછળ સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો અને અન્ય તત્વોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે.
વ્યારાના ચાપાવાડી પંથકમાંથી ગેરકાયદે ખેરના લાકડાં ભરેલી કાર ઝડપાઈ:વન વિભાગ અને પોલીસનો દરોડો;રૂ.1.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
📅 Published: October 14, 2026 |
📂 Category: gujarati-news
