શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સાવધાન:પાંડેસરામાં ખાડી-રોડ પર કચરો ફેંકતા 50થી વધુને સ્થળ પર જ દંડ, દલીલબાજી અને દંડનો ઈનકાર કરે તો પોલીસ કાર્યવાહી થઈ શકે

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં બંગરોલી ખાડી પાસે જાહેરમાં ગંદકી અને કચરો ફેંકતા બેજવાબદાર લોકો સામે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક એક્શન લેવામાં આવ્યા છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે રસીદ બુક સાથે સ્થળ પર અચાનક દરોડા પાડી ગંદકી ફેલાવતા તત્વો સામે સ્થળ પર જ દંડ વસૂલવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેના કારણે કચરો ફેંકનારાઓમાં દોડધામ મચી ગઈ હતી. ખાડી કિનારે કચરો ફેંકતા 50 લોકોને દંડ
આ વિશેષ ડ્રાઈવ દરમિયાન જાહેર માર્ગ અને ખાડી કિનારે કચરાની થેલીઓ ફેંકવા આવેલા 50થી વધુ લોકોને પાલિકાની ટીમે રંગેહાથ ઝડપી પાડી સ્થળ પર જ 1800 રુપિયાનો રોકડ દંડ ફટકાર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો હતો, જેમાં કચરો નાખવા આવેલી એક મહિલા પકડાઈ જતાં તેણે પાલિકાના અધિકારીઓ સમક્ષ હાથ જોડીને આજીજી કરી હતી. મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતા કહ્યું હતું કે, હવે પછી તે ક્યારેય જાહેરમાં કચરો નહીં ફેંકે. જો કે, તંત્ર દ્વારા નિયમ મુજબ શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેથી અન્ય લોકો પણ બોધપાઠ લે. કચરો ફેંકનાર દંડનો ઈનકાર કરે તો પોલીસ ફરિયાદ થઈ શકે
મહાનગરપાલિકા દ્વારા આ મામલે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, સ્વચ્છ સુરત અભિયાન અંતર્ગત હવે જાહેર રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ કે ખાડી-નાળામાં કચરો ફેંકનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. જો કોઈ નાગરિક જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો તેની પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે અને જો કોઈ દંડ ભરવાનો ઈનકાર કરશે અથવા દલીલબાજી કરશે તો તેની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. સ્વચ્છતા જાળવવા નાગરિકો માત્ર ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનમાં જ કચરો આપે તેવી તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *