સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ ચોંકાવનારી અને દર્દનાક ઘટનાઓ સામે આવી છે. કતારગામમાં પેરોલ પર છૂટેલા પોક્સોના આરોપીએ જેલમાં પરત જવાની બીકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે ભેસ્તાન વિસ્તારમાં બારી સાફ કરતી વખતે પત્ની વૃદ્ધ પતિ પર પટકાતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્રીજી ઘટનામાં રેલવે સ્ટેશન નજીક ભોજન વિતરણ દરમિયાન અજાણી મહિલાએ લાત મારતાં માતાના ખોળામાંથી એક વર્ષનું માસૂમ બાળક નીચે પટકાઈ ગયું હતું, જેનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત થયું છે. કતારગામમાં પેરોલ પર છૂટેલા પોક્સોના આરોપીએ જેલ અને છૂટાછેડાના ડરે ઝેર ગટગટાવ્યું
મૂળ પાટણના વતની અને હાલ કતારગામ ખાતે આવેલી ચામુંડા નગર સોસાયટીમાં રહેતો 32 વર્ષીય પ્રદીપકુમાર પ્રેમજીભાઈ પ્રજાપતિ પોક્સોના ગુનામાં જેલમાં બંધ હતો. થોડા દિવસો અગાઉ જ તે પેરોલ રજા મંજૂર થતાં જેલમાંથી બહાર આવી ઘરે આવ્યો હતો. શનિવારે બપોરના સમયે પ્રદીપે ઘરમાં રહેલી ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. એક બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી
પોલીસ તપાસમાં પ્રાથમિક વિગતો મુજબ, પ્રદીપને પેરોલ પૂર્ણ થતાં ફરી જેલમાં હાજર થવાનું હતું, જેનો તેને ભારે ડર હતો. આ સાથે જ તેની પત્ની સાથે પણ છૂટાછેડાની વાતચીત ચાલી રહી હતી. જેલમાં પરત જવાની ચિંતા અને પારિવારિક વિવાદના કારણે તે સતત ભારે માનસિક તણાવમાં રહેતો હતો. આ ટેન્શનમાં આવીને તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. મૃતકને સંતાનમાં એક નાની દીકરી છે. બનાવ અંગે કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભેસ્તાનન બેડ પર ચડીને બારી સાફ કરતી પત્ની અચાનક પતિ પર પડી, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
મૂળ મહારાષ્ટ્રના અને હાલ ભેસ્તાન સ્થિત ઊન પાટિયા પાસે આવેલ શોએબ નગરમાં રહેતા 80 વર્ષીય સલીમ ભીખણ ખટીક નિવૃત્ત જીવન જીવતા હતા. ગત 21મી તારીખે સવારના સમયે સલીમભાઈ બેડ પર સૂઈને આરામ કરી રહ્યા હતા. તે જ સમયે તેમના પત્ની ફરીદાબેન બેડ પર ઊભા રહીને રૂમની બારી સાફ કરી રહ્યા હતા. સફાઈ દરમિયાન અચાનક ફરીદાબેનનું સંતુલન બગડ્યું હતું અને તેઓ સીધા નીચે સૂતેલા સલીમભાઈના પેટના ભાગે જોરથી પટકાયા હતા. ગંભીર આંતરિક ઇજાઓ થતાં સારવાર કારગત ન નીવડી
અચાનક બનેલી આ ઘટનામાં વૃદ્ધ સલીમભાઈને પેટ અને શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનો તેમને તાત્કાલિક બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે, ગંભીર ઇજાઓ અને વધુ ઉંમર હોવાને કારણે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. અકસ્માતે બનેલી આ વિચિત્ર દુર્ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ભોજન વિતરણમાં અજાણી મહિલાએ લાત મારતાં માતાના ખોળામાંથી માસૂમ પટકાયો, કરુણ મોત
મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમજીવી પરિવાર અને હાલ નાનપુરા ડચ ગાર્ડન પાસે ઝૂંપડામાં રહેતા અજયભાઈ રાજપૂત, તેમની પત્ની ખુશ્બુ અને એક વર્ષનો દીકરો પિયુષ મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવે છે. પાંચ દિવસ પહેલાં સાંજના સુમારે ખુશ્બુ પોતાના એક વર્ષના પુત્ર પિયુષને તેડીને સુરત રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે સ્ટેશન સર્કલ પાસે આવેલા બ્રિજ નીચે જરૂરિયાતમંદોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જેથી ખુશ્બુ પણ ત્યાં દીકરાને તેડીને જમવાનું લેવા માટે ઊભી રહી હતી. લાત વાગતાં માતા-પુત્ર નીચે પટકાયા, માસૂમનો જીવ ગયો
ભોજન વિતરણ દરમિયાન ત્યાં ઊભેલી એક અજાણી મહિલાએ ખુશ્બુને ત્યાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો અને ઉશ્કેરાઈને જોરથી લાત મારી હતી. લાત વાગતાં જ ખુશ્બુ સંતુલન ગુમાવી બેઠી હતી અને હાથમાં તેડેલા એક વર્ષના પિયુષ સાથે જોરથી જમીન પર પટકાઈ હતી. નીચે પટકાતાં માસૂમ પિયુષના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકને પહેલાં ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ માસૂમે અંતિમ શ્વાસ લીધા હતા. એક વર્ષના પુત્રના મોતના પગલે શ્રમજીવી માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
શહેરમાં ત્રણ અજીબ ઘટનાઓ:જેલમાં જવાના ડરે પોક્સોના આરોપીનો આપઘાત, પત્ની પેટ પર પટકાતાં વૃદ્ધનું મોત અને ભોજન વિતરણ વખતે લાત વાગતાં બાળક નીચે પટકાતાં દમ તોડ્યો
📅 Published: October 4, 2026 |
📂 Category: gujarati-news
