સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હોટફિક્સ મશીનનો કચરો સુરત મહાનગરપાલિકા માટે મોટો માથાનો દુખાવો બન્યો છે. છેલ્લા 24 કલાકમાં પુણા, કાપોદ્રા અને જગદીશનગર એમ ત્રણ અલગ-અલગ જગ્યા પર હોટફિક્સના વેસ્ટેજમાં શંકાસ્પદ રીતે ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. આ આગના કારણે આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. કચરાનો નિયમિત નિકાલ ન થતો હોવાના મુદ્દે સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં આવી ગયા હતા અને સ્થળ પર પહોંચેલા પાલિકાના અધિકારીઓનો ઉગ્ર ઘેરાવો કરી આડા હાથે લીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કચરાના નિકાલના ટેન્ડર માટે જાણીજોઈને ગંદુ રાજકારણ રમવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ત્રણ જગ્યાએ આગ,વાહનો બળીને ખાખ
કપોદ્રાના હીરાબાગ સ્થિત રામનગર સોસાયટી નજીક બ્રિજ નીચે મોડી રાત્રે હોટફિક્સ વેસ્ટેજના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઉપરાંત જગદીશનગરમાં બગીચા પાસે અને પુણા અંજની ખાડી બ્રિજ પર પણ હોટફિક્સના ઢગલામાં ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં ત્રણેય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. કાપોદ્રાની આગમાં બ્રિજ નીચે પડેલું બિનવારસી એક્ટિવા, જગદીશનગરમાં બે એક્ટિવા તેમજ પુણા ખાડી પાસે એક ઈકો અને એક એસન્ટ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મનપાના અધિકારીઓનો સ્થળ પર જ ઘેરાવ
શહેરમાં ઠેર-ઠેર જમા થયેલા કચરામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કચરો ઉપાડવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં આવી ગયા હતા અને સુરત મનપાના અધિકારીઓને સ્થળ પર જ ઘેરી લઈ આડે હાથે લીધા હતા તેમજ કચરો કેમ લેવા નથી આવતા તે અંગે ઉગ્ર સવાલો કર્યા હતા. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ
સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, કચરાના નિકાલના ટેન્ડર મુદ્દે આંતરિક રાજકારણ રમાઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી અને જોખમ ભોગવવાનો વારો આવ્યો છે. કચરામાં લાગતી આગને કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરી લોકોએ તાત્કાલિક ધોરણે કચરાનો કાયમી નિકાલ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. મેયરના ઘર બહાર ઢગલા બાદ 1500 યુનિટોને નોટિસ
શહેરમાં અંદાજે 11,000થી વધુ ટેક્સટાઇલ યુનિટોમાંથી રોજેરોજ ટનબંધ હોટફિક્સનો કચરો બહાર આવે છે. અગાઉ મેયરના ઘર બહાર પણ આ કચરાના ઢગલા ફેંકાયા બાદ સફાળે જાગેલા તંત્રએ ઝોનવાઇઝ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને નિયમોનો ભંગ કરતા 1500 યુનિટોને નોટિસ ફટકારી હતી. જો કે, આ જ્વલનશીલ કચરાનો વૈજ્ઞાનિક ઢબે કાયમી નિકાલ કરવો મનપા તંત્ર માટે હજુ પણ એક મોટો પડકાર છે. ₹500 કરોડના ઈજારા પાછળ મોટો ખેલ હોવાની શંકા
શહેરમાં વર્ષોથી હોટફિક્સનો કચરો નીકળે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી શાસક અને વિપક્ષ બંને પક્ષના કોર્પોરેટરો તેમજ ધારાસભ્યો અચાનક આ મુદ્દે આક્રમક બન્યા છે. જો આ કચરાના નિકાલ માટે નવી પોલિસી બને તો ₹500 કરોડથી વધુના ટેન્ડરો બહાર પડે તેમ છે. કરોડોનો ઈજારો મેળવવા તલપાપડ એજન્સીઓ અને ચોક્કસ નેતાઓની મિલીભગતથી નવી નીતિ બનાવવા દબાણ ઊભું કરવા માટે આ ઉહાપોહ અને શંકાસ્પદ આગની ઘટનાઓ ઘડાઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ‘એજન્સીઓ ઊંચા ભાવના ટેન્ડરો મેળવવા દબાણ ઊભું કરી રહી છે’
મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ પુણા ગામ વિસ્તારમાં હોટફિક્સ કચરાના નિકાલ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કાપડ અને હોટફિક્સનો વ્યવસાય વર્ષોથી ચાલે છે, પરંતુ કચરાની સમસ્યાને અચાનક વિકરાળ સ્વરૂપ આપી એજન્સીઓ દ્વારા ઊંચા ભાવના ટેન્ડરો મેળવવા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. અગાઉ બોલેરો ગાડીઓ દ્વારા ઘરે-ઘરેથી નિયમિત કચરો ઉપાડવામાં આવતો હતો, પરંતુ તે વ્યવસ્થા અચાનક બંધ કરી દેવાતા લોકોને મજબૂરીમાં રસ્તા પર કચરો ફેંકવો પડી રહ્યો છે.
શહેરમાં હોટફિક્સ વેસ્ટ મુદ્દે મોટો વિવાદ:24 કલાકમાં 3 સ્થળે શંકાસ્પદ આગ લાગતા રહીશોમાં રોષ, મોપેડ-બે કાર બળીને ખાખ; મનપાના અધિકારીઓનો સ્થાનિકોએ ઉધડો લીધો
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
