ગુજરાતમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના કલ્યાણ અને આત્મહત્યા નિવારણ માટે શિક્ષણ વિભાગે મહત્વની નવી જોગવાઈ કરી છે. રાજ્ય સરકારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં વિનિયમ 16(અ) ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ જોગવાઈનો હેતુ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, મુશ્કેલીઓ અને આત્મહત્યાના વિચારો જેવી ગંભીર સ્થિતિની વહેલી ઓળખ કરી સમયસર મદદ અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. નવી જોગવાઈ મુજબ ધોરણ 9થી 12ની સંલગ્ન શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત કાઉન્સેલિંગ તથા જાગૃતિ કાર્યક્રમો યોજવા પડશે. વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે અને તેઓ પોતાની સમસ્યાઓ અંગે નિર્ભયતાથી વાત કરી શકે તે માટે શાળાઓએ જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. સરકારના આ નિર્ણયમાં માનસિક તણાવમાં રહેલા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ અને તેમને તાત્કાલિક સહાય પૂરી પાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષા અને કલ્યાણ અંગે જાગૃતિ વધારવા માટે માર્ગદર્શિકા મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સરકારી-ખાનગી તમામ સંલગ્ન શાળાઓને લાગુ
આ નવી જોગવાઈ સરકારી તેમજ ખાનગી સહિત ધોરણ 9થી 12ની તમામ સંલગ્ન શાળાઓ માટે લાગુ પડશે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે તેમનું માનસિક સ્વાસ્થ્ય જાણવું અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NCERTના સહયોગથી તૈયાર કરાયેલી ‘UMMEED (Understand, Motivate, Manage, Empathize, Empower, Develop) – Prevention of Suicide: Guidelines for Schools (May 2025)’ માર્ગદર્શિકાને ધ્યાને લઈને આ જોગવાઈ કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે શાળાઓમાં જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સમયસર મદદ મુખ્ય ઉદ્દેશ
વિભાગના આદેશમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને, તેઓ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં યોગ્ય રીતે તેનો સામનો કરી શકે અને જરૂર પડે ત્યારે સમયસર સહાય મેળવી શકે તે માટે શાળાકક્ષાએ સક્રિય વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. ખાસ કરીને ગંભીર માનસિક તણાવ અથવા આત્મહત્યાના વિચારો ધરાવતા વિદ્યાર્થીઓને વહેલી તકે ઓળખી સંવેદનશીલ અને તાત્કાલિક સહાય મળી રહે તે અંગે શાળાઓએ ધ્યાન આપવાનું રહેશે. આ સુધારો શિક્ષણ વિભાગના તા. 4 સપ્ટેમ્બર 2026ના મંજૂર આદેશના આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં કરવામાં આવ્યો છે.
શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત:ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્યને લઈને સરકારનો મોટો નિર્ણય
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
