શિયાળ ગામે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ પંચમીનો મેળો

📅 Published: September 1, 2026 | 📂 Category: Ahmedabad

બગોદરા । (સં.ન્યૂ.સ)

અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે આવેલા 700 વર્ષથી વધુ પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિવસે પરંપરાગત નાગપંચમી પર્વ નિમિતે મંગળવારે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં આસપાસનાં શિયાળ ગામની આસપાસના 30થી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા.

શિયાળ ગામના અંબારામભાઈ ભુવાના જણાવ્યા પ્રમાણે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામલોકોએ નાગદેવતાની સફેદ ધજાઓ ધારણ કરી ચરમાળીયા દાદાને અર્પણ કરી હતી. ભક્તોએ ધૂન ગાઈ હતી, જ્યારે મહિલાઓએ પરંપરાગત ગરબા રજૂ કરી ધાર્મિક માહોલને જીવંત બનાવ્યો હતો. મેળામાં પઢાર સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા.

ચકડોળ અને જમ્પિંગ રાઈડ્સ સહિતની મનોરંજનની વિવિધ રાઈડ્સ તેમજ ખાણી-પીણી અને કટલરીના સ્ટોલોએ મેળાની રોનકમાં વધારો કર્યો હતો. બાળકો અને પરિવારોમાં મનોરંજનની રાઈડ્સ તથા વિવિધ સ્ટોલો પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાવળા તાલુકા ગ્રામ્યમાં નાગપંચમીના મેળામાં ભક્તિ, લોકપરંપરા અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *