ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 30 જેટલા લોકો સારવાર હેઠળ છે. FSLના રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે કે મૃતકોએ દારૂના નામે જે પીધું હતું એમાં શુદ્ધ દારૂ એટલે કે ઇથેનોલ નહીં પરંતુ ઝેરી મિથેનોલ હતું. FSLએ તપાસેલી દારૂની બોટલમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું ખૂલ્યું છે. જેનો અર્થ થાય છે કે એ બોટલમાં દારૂના બદલે 38% થી વધુ ઝેરી મિથેનોલ ભરી વેચતા હતા. આ મિથેનોલને કારણે જ અનેક પરિવારો વેર વિખેર થઈ ગયા છે. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે, મિથેનોલથી બનેલો નકલી દારુ પીનારાની સારવાર માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. ઝેરી દારુ પીધા બાદના લક્ષણોથી લઈ સારવાર સુધી જાણવા દિવ્ય ભાસ્કરે GMERS મેડિકલ કોલેજ-ગાંધીનગરના પ્રોફેસર ડૉ દિનકર ગોસ્વામી, ભાવનગરની સર ટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. કૈરવી દેસાઈ, ‘આરોગ્યમ હોસ્પિટલ’ના નેફ્રોલોજિસ્ટ ડો.નીલવ શાહ સાથે વાતચીત કરી હતી. ભાવનગરની સર ટી અને આરોગ્યમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ જણાવ્યું કે, એક કે બે પેગ પીધા પછી અસ્પષ્ટ દેખાવાની શરૂઆત થાય છે. સતત ઉલટીઓ અને બેભાન થઈ જવા જેવા ગંભીર લક્ષણો દેખાયા હતા. દારૂમાં રહેલું મિથેનોલ શરીરમાં પ્રવેશતા જ શું કરે છે?
‘આરોગ્યમ હોસ્પિટલ’ના નેફ્રોલોજિસ્ટ ડો.નીલવ શાહ કહે છે, ઝેરી દારૂ (લઠ્ઠા)માં મિથેનોલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેને ‘વુડ આલ્કોહોલ’ કહે છે શરીરમાં ગયા બાદ આ મિથેનોલનું વિભાજન થઈને ફોર્મિક એસિડ બને છે, જે શરીરના અત્યંત મહત્વના અંગો જેવા કે આંખો (દ્રષ્ટિ), કિડની અને મગજ પર ગંભીર હુમલો કરે છે. જેને કારણે લીવર અને કિડની ડેમેજ થવાની સાથે દર્દી ‘મલ્ટી ઓર્ગન ફેલ્યોર’ થઈ શકે છે. આ પણ વાંચો: દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ’8901522000665′ નંબરની બોટલનો દારુ પીશો નહીં શું સારવાર માટે ઇથેનોલનો ઉપયોગ થાય છે?
ડો. દિનકર ગોસ્વામી કહે છે-નકલી દારૂમાં મિથેનોલ જેવા ઝેરી કેમિકલની હાજરી હોવાથી ડોક્ટરની દેખરેખ હેઠળ ઈથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. ઈથેનોલ આપવાનો હેતુ નશો ઉતારવાનો નહીં, પરંતુ મિથેનોલના ઝેરી પ્રભાવને ઘટાડવાનો હોય છે. અહીં ‘ઈથેનોલ’ અને ‘નકલી દારૂ’ને એક જ વસ્તુ માનવી યોગ્ય નથી. મિથેનોલ એક ઝેરી આલ્કોહોલ છે, જ્યારે ઈથેનોલ તબીબી પ્રોટોકોલ મુજબ ચોક્કસ પરિસ્થિતિમાં મિથેનોલના ઝેરી મેટાબોલિઝમને રોકવા માટે ઉપયોગમાં લેવાય છે. મિથેનોલનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક કામોમાં થાય છે. પેઇન્ટ રિમૂવર, એન્ટિફ્રીઝ સહિતના કેટલાક કેમિકલ ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થાય છે. જ્યારે શરીરમાં જાય છે ત્યારે તે ઝેરી પદાર્થમાં પરિવર્તિત થઈ ગંભીર નુકસાન કરી શકે છે. મિથેનોલથી આંખોની દ્રષ્ટિ કેમ જાય છે?
મિથેનોલ પોઇઝનિંગની સૌથી ગંભીર અસરોમાં ઓપ્ટિક નર્વને નુકસાન અને દ્રષ્ટિ ગુમાવવી સામેલ છે. ઓપ્ટિક નર્વ આંખમાંથી મળેલી દૃશ્ય માહિતી મગજ સુધી પહોંચાડે છે. આ નર્વને નુકસાન થતાં દર્દીને વસ્તુઓ દેખાવાની ક્ષમતા ગંભીર રીતે ઘટી શકે છે અને ક્યારેક કાયમી અંધત્વ પણ આવી શકે છે. વાંચો લઠ્ઠાકાંડ પીડિત પરિવારની આપવીતી: દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો વધુ માત્રામાં સેવન ગંભીર બની શકે
ડો ગોસ્વામીએ જણાવ્યું કે નકલી દારૂમાં રહેલા ઝેરી કેમિકલનું પ્રમાણ અને દર્દીએ કેટલું સેવન કર્યું છે તેના આધારે અસર ગંભીર બની શકે છે. ગંભીર પોઇઝનિંગમાં ચેતના ગુમાવવી, ઉલટી, ડિહાઇડ્રેશન, હૃદયના ધબકારા અનિયંત્રિત સહિતની સ્થિતિ ઊભી થઈ શકે છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. અસલી વ્હિસ્કી અને નકલી દારૂમાં મોટો તફાવત
ઓરિજિનલ વ્હિસ્કીમાં મુખ્યત્વે ઈથેનોલ હોય છે અને તેની આલ્કોહોલની માત્રા નિર્ધારિત ધોરણ મુજબ હોય છે. જ્યારે નકલી દારૂ બનાવવામાં ઔદ્યોગિક અથવા અન્ય પ્રકારના કેમિકલ આલ્કોહોલનું મિશ્રણ કરવામાં આવે તો તે અત્યંત જોખમી બની શકે છે. નકલી દારૂની બોટલ પર ‘વ્હિસ્કી’ લખેલું હોવું એ તેની અંદર ખરેખર પ્રમાણભૂત વ્હિસ્કી જ છે તેની ગેરંટી નથી. તેમાં કયા કેમિકલ્સ છે તે જાણવા માટે કેમિકલ એનાલિસિસ જરૂરી બને છે. ઓરિજિનલ વ્હિસ્કીમાં શું હોય છે?
ડો. ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ઓરિજિનલ વ્હિસ્કીમાં મુખ્યત્વે ઈથાઇલ આલ્કોહોલ (ઈથેનોલ) હોય છે. વ્હિસ્કીમાં સામાન્ય રીતે આલ્કોહોલનું પ્રમાણ નિર્ધારિત મર્યાદામાં હોય છે, જે આશરે 40% ABV(આલ્કોહોલ બાય વોલ્યૂમ)ની આસપાસ અથવા તેનાથી ઓછું હોઈ શકે છે. બીજી તરફ, નકલી દારૂમાં ઈથેનોલ સાથે મિથેનોલ કે અન્ય કેમિકલનું મિશ્રણ થઈ શકે છે, જે શરીર માટે ગંભીર રીતે ઝેરી સાબિત થઈ શકે છે.
મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે?
મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે. 15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટર માઇન્ડ રઈશ 9 દિવસના રિમાન્ડ પર:સુરતનો યુવક બ્રેઇન ડેડ
ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતની ખટોદરા સ્થિત આઇએનએસ (INS) હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે. મુખ્ય સૂત્રધાર રઈશ અન્સારીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે 14 દિવસની માંગ કરતાં કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR
ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ
શું નકલી દારૂનું ઝેર ઉતારવા ઇથેનોલનો ઉપયોગ થાય છે?:એક-બે પેગમાં જ આંખે અંધારા આવ્યા, ઉલટીઓ થઈ, દારૂમાં રહેલા 38% મિથેનોલે 9ની લાશ ઢાળી દીધી, ડોક્ટરોએ જણાવી હકીકત
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
