શુકન… વિજયાદશમના પર્વે આર્થિક ઘોડો દોડ્યો:ફાફડા-જલેબીની જમાવટ, પોલીસ દ્વારા શસ્ત્રપૂજન, વાહનોની ઘૂમ ખરીદી, રાજપરિવાર દ્વારા શમીવૃક્ષ પૂજન

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

વિજયાાદશમીના પાવન અવસરે મંગળવારે કચ્છના મુખ્ય મથક ભુજમાં સવારથી જ ચારેય બાજુ ઉત્સવ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. અસત્ય પર સત્ય અને દૈત્ય પર દેવના વિજયના આ ભવ્ય પર્વ નિમિત્તે વ્યંજનપ્રિય ગુજરાતીઓએ પરંપરા જાળવીને સવારથી જ ફરસાણ અને મિષ્ટાનની દુકાનો પર લાંબી કતારો લગાવી હતી. ભુજવાસીઓએ ફાફડા-જલેબી આરોગીને તહેવારની મીઠાશ માણી હતી, તો બીજી તરફ શક્તિના પ્રતીક સમાન પૂજન-અર્ચન અને નવી ખરીદી સાથે આખો દિવસ ધમધમતો રહ્યો હતો. ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને શક્તિના પ્રતીકસમા શસ્ત્રોનું વિધિવત શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. મદદનીશ પોલીસ વડા ગૌતમ વિવેકાનંદન અને અન્ય અધિકારીઓ દ્વારા શસ્ત્રો અને શક્તિના પ્રતિક સમાન અશ્વનું પૂજન કર્યું હતું. બીજી તરફ, શુભ મુહૂર્તમાં વાહનોની ખરીદી કરવા માટે લોકોએ શહેરના વિવિધ શોરૂમો પર મુહૂર્ત સાચવીને ખરીદી કરી હતી. બાઇક, કાર તેમજ અત્યારના યુગની જરૂરિયાત સમાન ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ધૂમ વેચાણ થયું હતું, જેને લઈને વાહન વિક્રેતાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. ખરીદી અને પૂજનના દોર બાદ સાંજના સમયે પરંપરાગત શમી વૃક્ષ પૂજન કરાયું હતું. મહારાણી પ્રીતિદેવીના હસ્તે શમી વૃક્ષ નીચે શાસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. સાથે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કૃતાર્થસિંહજી, મયુરધ્વજસિંહ, ઇન્દ્રજીતસિંહ સહિત ક્ષત્રિય અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાંજે રાજગોર સમાજ વાડીમાં બ્રહ્મ સમાજની બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં શસ્ત્રોનું પૂજન કરી દેવો પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *