બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પ્રથમ વખત પોતાની વાપસી માટે તારીખ જણાવી છે. તેઓ 16 ડિસેમ્બરે પોતાના દેશમાં પરત ફરવા માંગે છે. તેમણે તારિક રહમાન સરકાર પાસે વિમાન મોકલવાની માંગ કરી છે. સમાચાર એજન્સી રોયટર્સ મુજબ, હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હસીના સરકારી એરલાઇન બિમાન બાંગ્લાદેશના વિમાન દ્વારા દિલ્હીથી ઢાકા પરત ફરવા માંગે છે. બાંગ્લાદેશ સરકારના પ્રવક્તાએ હસીનાની વાપસીની માંગ અંગે કોઈ જવાબ આપ્યો નથી. બાંગ્લાદેશ સરકારના એક મંત્રીએ રવિવારે રોયટર્સને કહ્યું હતું કે હસીના પરત ફરતાં જ તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલવામાં આવશે. વાપસીની વ્યવસ્થા કરવી સરકારની જવાબદારી હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ એમ પણ કહ્યું કે 5 ઑગસ્ટ 2024ના રોજ હસીનાને જે બાંગ્લાદેશી વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા, હવે એ જ રીતે તેમની વાપસીની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ. હસીનાને બંધારણ વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે. હસીના 16 ડિસેમ્બરે જ શા માટે પરત ફરવા માંગે છે 16 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. આ જ દિવસે 1971માં પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધ પુરુ થયું હતું અને બાંગ્લાદેશ આઝાદ થયું હતું. આનાથી બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધી શકે છે. તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લાગેલો છે. આ જ મહિનાની શરૂઆતમાં તેમણે નવા પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો માટે પણ અરજી કરી હતી. જોકે રહમાન સરકારે તેમની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બાંગ્લાદેશી સાંસદ બોલ્યા- ભારતે એક હત્યારણને પોતાના દેશમાં આશ્રય આપ્યો બાંગ્લાદેશમાં સતત થઈ રહેલી હિંસા અને રાજકીય તણાવ વચ્ચે નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના પ્રમુખ અને સાંસદ નાહિદ ઇસ્લામે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. નાહિદે કહ્યું કે ભારત એક ‘હત્યારણ’ને પોતાના દેશમાં આશ્રય આપી રહ્યું છે અને તેની ધરતીનો ઉપયોગ બાંગ્લાદેશ વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં રહેતી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ત્યાંથી રાજકીય પ્રવૃત્તિઓ કરવાની છૂટ મળી રહી છે. નાહિદે બાંગ્લાદેશના તમામ રાજકીય પક્ષો અને લોકોને ભારતના વર્ચસ્વ વિરુદ્ધ એકજૂથ થવાની અપીલ કરી છે. તેમણે સરકાર પાસે ભારત સાથે ગંગાના પાણીની વહેંચણી અને શેખ હસીનાને પરત લાવવા જેવા મુદ્દાઓ પર કડક વલણ અપનાવવાની માંગ પણ કરી. 5 ઑગસ્ટ 2024ના રોજ હસીના દેશ છોડીને ભારત આવી ગયા હતા બાંગ્લાદેશમાં જૂન 2024માં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલન શરૂ થયું હતું. હાઈકોર્ટે 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ મુક્તિ સેનાનીઓના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને સરકારી નોકરીઓમાં 30% અનામત આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો. તેમની માંગ હતી કે સરકારી નોકરીઓમાં ભરતી અનામતના બદલે યોગ્યતાના આધારે થવી જોઈએ. જુલાઈમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યાં. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ. પોલીસ પર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો અને જરૂર કરતાં વધુ બળપ્રયોગ કરવાનો આરોપ લાગ્યો. તેના પછી વિદ્યાર્થીઓએ હસીનાના રાજીનામાની માંગ શરૂ કરી. ધીમે-ધીમે આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું. સંયુક્ત રાષ્ટ્ર મુજબ, 2024માં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસામાં આશરે 1,400 લોકોનાં મોત થયાં હતાં. 5 ઓગસ્ટ 2024ના રોજ હજારો પ્રદર્શનકારીઓ ઢાકા તરફ આગળ વધ્યા અને હસીનાના સરકારી નિવાસસ્થાન સુધી પહોંચી ગયા. ત્યારબાદ હસીના સૈન્ય વિમાન દ્વારા ભારત આવી ગયાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.
શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે, તારીખ જાહેર કરી:16 ડિસેમ્બરે 'વિજય દિવસે' જ ઢાકા જવાની જીદ; તારિક રહમાન સરકારને દિલ્હી વિમાન મોકલવા કહ્યું, બાંગ્લાદેશમાં હડકંપ
📅 Published: November 24, 2026 |
📂 Category: International
