અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામ નજીક શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર ખનન કરતા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. વિભાગે કુલ ₹16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમરેલી તાલુકામાં ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલાનો પ્રયાસ થયો હતો. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીનો પટ ગેરકાયદેસર રેતી ખનન માટે મુખ્ય કેન્દ્ર મનાય છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરીની ફરિયાદો વારંવાર ઉઠે છે, જેના કારણે વિવાદો સર્જાય છે. બિનઅધિકૃત રીતે ખનન કરીને ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાની ચોક્કસ માહિતીના આધારે ખાણ-ખનીજ વિભાગની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ઝડપાયેલા બંને ડમ્પર સહિતના મુદ્દામાલ અંગે નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગની આ અચાનક કાર્યવાહીને કારણે બિનઅધિકૃત ખનન અને ખનીજ પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે અમરેલી તાલુકાના સરંભડા ગામ નજીક ખાણ-ખનીજ વિભાગના દરોડા દરમિયાન રેતી માફિયાઓ દ્વારા હુમલાનો પ્રયાસ કરી, ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં, શેત્રુંજી નદીના પટમાં અમરેલી, લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં રાત-દિવસ ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. આ ઘટનાઓ દર્શાવે છે કે ભૂમાફિયાઓ દ્વારા ખાણ-ખનીજ વિભાગને વારંવાર ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં પણ બિનઅધિકૃત ખનન અને પરિવહન સામે વધુ કડક કાર્યવાહી થાય તેવી શક્યતા છે.
શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું:અમરેલીના લીલીયા નજીક બે ડમ્પર જપ્ત, ₹16 લાખનો મુદ્દામાલ કબજે
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
