શ્રાવણ સુદ નોમે સોમનાથ મહાદેવને અલૌકિક ‘હરિયાળી દર્શન શૃંગાર’:111કિલો વનસ્પતિઓથી ગર્ભગૃહમાં પ્રકૃતિ જેવું દિવ્ય વાતાવરણ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ નોમના પાવન દિવસે અલૌકિક ‘હરિયાળી દર્શન શૃંગાર’ અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિશેષ શૃંગાર દ્વારા ભગવાન સોમનાથના ગર્ભગૃહમાં પ્રકૃતિના ખોળા જેવું દિવ્ય અને આત્મીય વાતાવરણ ઊભું કરાયું હતું. ગર્ભગૃહને વિવિધ પ્રકારના વૃક્ષો, વનસ્પતિઓ, ફૂલો તેમજ પ્રાણી-પક્ષીઓની પ્રતિકૃતિઓથી સજાવવામાં આવ્યું હતું. આ શૃંગારથી સમગ્ર હરિયાળી પ્રકૃતિ ભગવાન શિવના ચરણોમાં અર્પિત થઈ હોય તેવો અનુભવ થતો હતો. ભક્તોને આ મનોહર દર્શનથી આધ્યાત્મિક ભાવ સાથે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સંવેદનાની લાગણી જાગૃત થઈ હતી. આ શૃંગારમાં આશરે ૧૧૧ કિલો જેટલી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમરો, ધરો, ડાભ, બીલીપત્ર, આસોપાલવ, વડ, પીપળો, આંબો, બોરસલી અને ઝીંઝવો સહિતની વિવિધ ઔષધિઓ અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ શૃંગારનો મુખ્ય હેતુ માત્ર ભગવાનના દર્શનને મનોહર બનાવવાનો નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યે પૂજ્યભાવ, કરુણા અને તેના સંરક્ષણનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવાનો હતો. સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, જ્યાં વૃક્ષોમાં જીવન અને નદીઓમાં માતૃત્વનો ભાવ રહેલો છે. વર્તમાન પર્યાવરણ સંકટના સમયમાં કૈલાસપતિ ભગવાન શિવના ચરણોમાં સજાવાયેલો આ ‘હરિયાળી દર્શન શૃંગાર’ પ્રકૃતિ સંરક્ષણનો સુંદર સંદેશ આપે છે. ‘પ્રકૃતિ છે તો જ જીવન છે’ એવા ભાવ સાથે આ વિશેષ શૃંગાર દ્વારા ભક્તોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ અને સંરક્ષણનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *