શ્રીકૃષ્ણને મારવા આવેલા અસુરો સાથેના પૂર્વજન્મના દિવ્ય સંબંધ

📅 Published: September 4, 2026 | 📂 Category: Bhakti

શ્રીમદ ભાગવત પુરાણ અને પૌરાણિક કથા-સાહિત્ય અનુસાર મથુરાના રાજા કંસે પોતાના કાળ બનીને આવેલા બાળ-કૃષ્ણનો નાશ કરવા ગોકુળ અને વ્રજમાં અનેક માયાવી દાનવોને મોકલ્યા હતા. આ રાક્ષસો ફક્ત સંહાર કરવા આવેલા હિંસક જીવો નહોતા, પરંતુ તેમની પાછળ પૂર્વજન્મના શાપ, પૂર્વસંચિત કર્મો, આધ્યાત્મિક ગુણ-દોષો અને દિવ્ય સંબંધોનું ગૂઢ રહસ્ય છુપાયેલું હતું. કૃષ્ણ સાથેના તેમના પૂર્વજન્મના સંબંધ વિશે જાણીએ.   

મામા કંસ

પૂર્વજન્મમાં કંસ કાલનેમિ નામનો અત્યંત બળવાન અસુર હતો. દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધ વખતે તેણે ભારે ઉત્પાત મચાવ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી કાલનેમિનો વધ કર્યો હતો. મૃત્યુ સમયે તેના ચિત્તમાં વિષ્ણુ પ્રત્યે ગુસ્સો અને દુશ્મનાવટ હતી, તેથી તે રાજા ઉગ્રસેનના પુત્ર કંસ તરીકે જન્મ્યો. મલ્લયુદ્ધમાં શ્રીકૃષ્ણે તેનો વધ કરીને મુક્તિ આપી હતી.   

બે વૃક્ષ યમલાર્જુન 

ગોકુળમાં નંદબાબાના આંગણામાં ઊભેલા અર્જુનનાં બે વૃક્ષો જે યમલાર્જુન તરીકે ઓળખાતા હતા, તે પૂર્વ જન્મમાં સ્વર્ગના કોષાધ્યક્ષ યક્ષરાજ કુબેરના બે પુત્રો નલકુબેર અને મણિગ્રીવ હતા. તેઓ નદીના જળમાં અપ્સરાઓ સાથે જળક્રીડા કરી રહ્યા હતા. એ સમયે ત્યાંથી મહર્ષિ નારદજી પસાર થયા. સત્તાના અહંકારમાં અંધ નલકુબેર અને મણિગ્રીવ નગ્ન અવસ્થામાં જ ઊભા રહ્યા, તેથી નારદજીએ શાપ આપ્યો કે તમે ગોકુળમાં વૃક્ષ બનીને રહેશો. તેમણે ક્ષમા માંગી ત્યારે નારદે કહ્યું કે, શ્રીકૃષ્ણ તમારો સ્પર્શ કરીને ઉદ્ધાર કરશે.

રાક્ષસી પૂતના

પૂતના તેના પૂર્વજન્મમાં દૈત્યરાજ બલીની પુત્રી `રત્નાવલી’ હતી. અમુક ગ્રંથોમાં વિરોચના એવો ઉલ્લેખ જોવા મળે છે. વામન અવતાર વખતે શ્રીકૃષ્ણના મનોહર રૂપને જોઈને તેને પુત્રપ્રાપ્તિની ઈચ્છા થઈ અને ભાવ જાગ્યો કે, `આવા સુંદર બાળકને હું મારું સ્તનપાન કરાવું’, પરંતુ જ્યારે વામનજીએ બલીનું બધું છીનવી લીધું ત્યારે તેને ક્રોધ આવ્યો અને બાળકને વિષ આપી મારવાનો વિચાર આવ્યો. શ્રીકૃષ્ણે તેના બંને ભાવો પૂર્ણ કર્યા. પૂતનાનું સ્તનપાન પણ કર્યું અને માતા જેવું સ્થાન આપી ગોલોક ધામમાં મુક્તિ આપી.   

ગાડાનો રાક્ષસ શટાસુર

ગાડારૂપી રાક્ષસ શટાસુર એ પૂર્વજન્મમાં તિરુપુરનો રાક્ષસ હતો. લોમશ ઋષિના આશ્રમમાં વૃક્ષોને પગ તળે કચડી નાખવા બદલ તેને શરીર વગરનો અદૃશ્ય આત્મા બની ગાડામાં વાસ કરવાનો શાપ મળ્યો હતો. બાળ કૃષ્ણે પોતાના કોમળ ચરણથી ગાડાને ઠોકર મારીને તેનું કલ્યાણ કર્યું હતું.   

બગલાના રૂપમાં બકાસુર રાક્ષસ

 પૂર્વજન્મમાં બકાસુર દૈત્યરાજ હયગ્રીવનો પુત્ર હતો. પૂર્વજન્મમાં પણ તે છળકપટથી ભરેલો જીવ હતો. બગલાની જેમ ભગત બનીને તે છળ કરતો હતો. કૃષ્ણે તેની બે ફાડ કરી તેનો નાશ કર્યો.   

કાલીય નાગ

તે પૂર્વજન્મમાં વેદસિરા નામનો મુનિ હતો. તપસ્યા કરતી વખતે ક્રોધ કરવા બદલ તેને સર્પ બનવાનો શાપ મળ્યો. યમુના નદીના ઝેરી પાણીને શુદ્ધ કરવા માટે કૃષ્ણે તેની ફેણ પર નૃત્ય કર્યું અને તેના મસ્તક પર ચરણચિહ્ન અંકિત કરીને તેને ગરુડના ભયમાંથી મુક્ત કર્યો.   

અજગરના રૂપમાં અઘાસુર રાક્ષસ

પૂર્વજન્મમાં અઘાસુર `કૃશક’ નામનો રાજા હતો. અષ્ટાવક્ર ઋષિના વાંકા શરીર અને ચાલવાની પદ્ધતિની મજાક ઉડાવવા બદલ તેને અષ્ટાવક્રજીએ `તું અજગર બની જા’ તેવો શાપ આપ્યો હતો. તે પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો. કૃષ્ણે તેના પેટમાં પ્રવેશી તેનું કદ વધારીને તેને મોક્ષ આપ્યો.   

અશ્વના રૂપમાં કેશી રાક્ષસ

કંસનો સૌથી શક્તિશાળી દાનવ સેનાપતિ કેશી હતો. પૂર્વ જન્મમાં તે દેવરાજ ઇન્દ્ર સામે લડેલો દૈત્ય હતો. કૃષ્ણે પોતાના હાથને તેના મોંમાં વિસ્તારીને શ્વાસ રોકી તેનો વધ કર્યો હતો.   

શિશુપાલ અને દંતવક્ત્ર 

પૂર્વજન્મમાં તેઓ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામના દ્વારપાળ જય અને વિજય હતા. સનકાદિ મુનિઓએ તેમને પૃથ્વી પર અસુર યોનિમાં જન્મ લેવાનો શાપ આપ્યો. ભગવાન વિષ્ણુની કૃપાથી તેમણે ત્રણ જન્મમાં ભગવાના હાથે મૃત્યુ પામીને પાછા વૈકુંઠ આવવાનો વિકલ્પ પસંદ કર્યો. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર.             

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *