સંતાનનું કર્તવ્ય?

📅 Published: October 5, 2026 | 📂 Category: Nari

દાદા અને દાદી ઓટલા પર બેસી પૌત્રને રમાડતા પોતાના દીકરાને જોઈ રહ્યા હતા. બાળકનું નિર્દોષ હાસ્ય આંગણામાં ગુંજી રહ્યું હતું, પણ એ બાળકમાં દાદા-દાદી માત્ર પોતાનો પૌત્ર નહીં, પણ વર્ષો પહેલાંનો પોતાનો દીકરો જોઈ રહ્યાં હતાં. એ જ માસૂમ આંખો, એ જ હાસ્ય અને એ જ નાની-નાની ખુશીઓ.   

દાદાની આંખો સામે અચાનક ભૂતકાળ ઊભો થઈ ગયો. એ દિવસો બહુ મુશ્કેલ હતા. ઘરમાં પૈસા ઓછા હતા, પણ સપનાંઓની કમી નહોતી. પિતા ગરમી-વરસાદની પરવા કર્યા વગર ખભા પર કપડાંની ગાંસડી ઊંચકીને ગામેગામ ફરતા અને માતા રાત સુધી સિલાઈકામ કરતી. બંનેની આવક નાની હતી, પણ દીકરાની જરૂરિયાતો પૂરી કરવામાં તેમણે ક્યારેય કચાશ રાખી નહોતી. દીકરાને કોઈ વસ્તુ ગમી જાય તો પોતાની જરૂરિયાતો ભૂલીને પણ માતા-પિતા એ વસ્તુ તેને અપાવતાં. એક દિવસ દીકરો શાળાએ જવા તૈયાર થઈને ઊભો હતો, `મા, આજે પૈસા જોઈએ છે.’ માતાએ પૂછ્યું, `કેટલા?’   

દીકરાએ રકમ કહી.   

માતાએ પિતા તરફ જોયું. ઘરમાં એટલા પૈસા નહોતા.   

પિતાએ ધીમેથી કહ્યું, `આજે નથી.’   

દીકરાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. તે કંઈ બોલ્યો નહીં અને શાળાએ ચાલ્યો ગયો. પછી માતા રસોડામાં જઈને ચૂપચાપ રડી પડી. તેમને પૈસા ન હોવાનું એટલું દુઃખ નહોતું, જેટલું પોતાના બાળકની નાની જરૂરિયાત પણ પૂરી ન કરી શકવાનું હતું. પિતાએ તેમની આંખો લૂછીને કહ્યું, `રડીશ નહીં, આપણે વધુ મહેનત કરીશું. આપણા દીકરાને ક્યારેય લાગવા નહીં દઈએ કે તેનાં મા-બાપ ગરીબ છે.’   

એ પછી બંનેએ વધુ મહેનત શરૂ કરી. પિતા પહેલાં કરતાં વધુ દૂરનાં ગામોમાં કપડાં વેચવા જવા લાગ્યા અને માતા મોડી રાત સુધી સિલાઈ કરતી. ધીમે ધીમે સમય પસાર થયો. દીકરો મોટો થયો અને ડોક્ટર બન્યો.   

એ દિવસે માતાની આંખોમાંથી સુખનાં આંસુ વહી રહ્યાં હતાં. પિતાએ દીકરાને ગળે લગાવીને કહ્યું હતું, `આજે અમારી મહેનત સફળ થઈ.’ માતા-પિતાને લાગ્યું કે હવે જીવનમાં મેળવવાનું કંઈ બાકી નથી. પછી દીકરાનાં લગ્ન થયાં. ઘરમાં વહુ આવી અને થોડાં વર્ષો પછી પૌત્રનો જન્મ થયો. દાદા-દાદી માટે તો જાણે જીવન ફરી જીવવાનો અવસર આવ્યો. પરંતુ સમય સાથે એક કડવી વાસ્તવિકતા પણ સામે આવી. જે દીકરા માટે માતા-પિતાએ પોતાની ભૂખ ભૂલી હતી, એ જ દીકરો હવે તેમની કોઈ નાની જરૂરિયાત માટે પૈસા આપતા પહેલાં સો વાર વિચારતો. પૈસા માગ્યા પછી પણ ક્યારેક એવા શબ્દો સાંભળવા મળતા કે દાદીને આખી રાત ઊંઘ ન આવતી. દાદા-દાદી માટે પૈસા કરતાં વધુ દુઃખ એ વાતનું હતું કે જે દીકરાને ઉછેરવામાં તેમણે ક્યારેય હિસાબ કર્યો નહોતો, એ જ દીકરા પાસે આજે કંઈક માગતાં તેમને પોતાનો જ દીકરો પરાયો લાગતો હતો. સામે દીકરો પોતાના બાળકને ખોળામાં લઈને રમાડી રહ્યો હતો. બાળક પિતાના ગળે વળગી રહ્યું હતું. દાદાએ ધીમા અવાજે દાદીને કહ્યું, `જુઓ, આપણો દીકરો પોતાના બાળકની કેટલી સંભાળ રાખે છે! પણ શું એને ક્યારેય એવું નહીં થાય કે મારાં મા-બાપે પણ મને આવી જ રીતે ઉછેર્યો હતો?’   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *