સંબંધોની મીઠાશ

📅 Published: August 31, 2026 | 📂 Category: Nari

હમણાંનો સમય એકદમ ડેલિકેટ, તકલાદી, કાચના વાસણ જેવો છે, એમાં સંબંધોની મીઠાશની તો વાત જ ક્યાં કરવી? પણ હું પોતે એ બાબતમાં ખૂબ નસીબદાર છું. મને મારા પરિવારજનો ખૂબ લાગણીશીલ અને પ્રેમાળ મળ્યા છે. નાનપણમાં એક ભાઈ તેની બા સાથે ઘરકામ કરવા આવતો. તેણે મારાં માતા-પિતાની સેવા કરી. અમે ભણતાં હતાં ત્યારે વહેલી સવારે ઊઠીને અમને ચા-પાણી બનાવી આપતા. અત્યારે એમની ઉંમર ૬૨ વર્ષની છે અને મારી ૭૫ વર્ષ છે. તેમનાં દીકરા, વહુ, દીકરીના પતિ બધાં જ એન્જિનિયર, સીએ છે. એમનો પરિવાર ખૂબ જ સુખી છે. હું પણ મારાં દીકરા, વહુ, પૌત્ર, પૌત્રી સહિત સુખી છું. જોગાનુજોગ મારા પૌત્રને માસ્ટર ડિગ્રી માટે પૂના જવાનું થયું. પૂના તો અમારા માટે સાવ અજાણ્યું. અમે સૌરાષ્ટ્રના રાજકોટમાં રહીએ છીએ. પછી વાયા વાયા તપાસ કરતાં ખબર પડી કે પેલા ભાઈ પૂના છે. એમનો કોન્ટેક નંબર મેળવ્યો. ફોન કર્યો તો સામેથી તે ભાઈએ એવી રીતે વાત કરી જાણે કાયમ મળતા હોઈએ. છેલ્લાં ૫૨ વર્ષ(મારાં લગ્નને ૫૨ વર્ષ થયાં)થી કોઈ કોન્ટેક્ટ નહોતો છતાં પણ તેમણે મારા પૌત્રને પ્રેમથી આવકાર્યો. એમનાથી બનતી મદદ કરી. મારો દીકરો-વહુ ત્યાં ગયાં ત્યારે ખૂબ સરસ વ્યવહાર કર્યો. મારા માટે, મારા આખા ઘરના માટે કંઈ ને કંઈ ભેટ મોકલીને મારા પૌત્રનું ધ્યાન રાખ્યું. હું એમની ઋણી છું.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *