'સંમતિના સંબંધોમાં તિરાડ પડે તો તેને દુષ્કર્મમાં ફેરવી શકાય નહીં':બે યુવકોને નિર્દોષ છોડવાનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો

📅 Published: November 19, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓને નિર્દોષ છોડવાના હુકમ સામે એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. બે સંતાનોની માતા એવી ફરિયાદી મહિલાએ એક આરોપી પર જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો અને બીજા આરોપી પર નગ્ન ફોટાના આધારે બ્લેકમેઇલ કરી શારીરિક સંબંધોની માંગ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. જોકે, રેકર્ડ પરના પુરાવાઓ તપાસ્યા બાદ હાઈકોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે, આ સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા અને સંબંધોમાં તિરાડ પડવાથી તેને દુષ્કર્મના ગુનામાં ફેરવી શકાય નહીં. 2019માં ફેસબુક પર સંપર્ક અને 2022માં નોંધાઈ હતી ફરિયાદ
કેસની વિગતો અનુસાર 35 વર્ષીય પરિણીત અને બે સંતાનોની માતા વર્ષ 2019માં ફેસબુક મારફતે પાર્થ નામના યુવકના સંપર્કમાં આવી હતી. મહિલાનો આક્ષેપ હતો કે પાર્થે તેને અમદાવાદના એક ગેસ્ટહાઉસમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ગેસ્ટહાઉસ અને ગાંધીનગરની એક હોટલમાં વારંવાર શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. વધુમાં, કિશન નામના અન્ય યુવકને આ ફોટા વિશે જાણ થતાં તેણે પણ શારીરિક સંબંધની માંગણી કરી હોવાનો આક્ષેપ કરી વર્ષ 2022માં અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હોટલ માલિકની જુબાની, કોલ ડિટેલ્સ અને અગાઉના સમાધાને ખોલી હકીકત
અરજદાર મહિલા તરફથી દલીલ કરાઈ હતી કે લગ્નજીવન અને સંતાનોના ભવિષ્યના ડરથી ફરિયાદ કરવામાં ત્રણ વર્ષ મોડુ થયું હતું, જેને કેસ માટે ઘાતક ગણી શકાય નહીં. જોકે, હાઈકોર્ટે રેકર્ડ પરના પુરાવાઓ, હોટલ માલિકની જુબાની અને કોલ ડિટેલ્સની ટ્રાન્સક્રિપ્ટ ચકાસતા નોંધ્યું હતું કે, ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેણી પોતાની મરજીથી હોટલોમાં ગઈ હતી. ઉલટતપાસમાં પણ સામે આવ્યું હતું કે એપ્રિલ-2022માં મહિલાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં પ્રેમસંબંધ હોવાનું અને મોબાઈલમાંથી કોઈ વાંધાજનક ફોટા ન મળ્યા હોવાનું સ્વીકારી આગળ કાર્યવાહી ન કરવાનું જણાવ્યું હતું. સમાધાન થયા બાદ ફરીથી ફરિયાદ કરવા પાછળ કોઈ સંતોષકારક કારણ જણાતું નથી. પાર્કિંગ ઝઘડા બાદ બીજા આરોપીનું નામ જોડાયું
સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, દુષ્કર્મના કેસમાં એકમાત્ર ભોગ બનનારની જુબાનીના આધારે સજા થઈ શકે છે, પરંતુ તે જુબાની સંપૂર્ણ વિશ્વસનીય, વિરોધાભાસ વિનાની અને શંકાથી પર હોવી જોઈએ, જે આ કેસમાં જોવા મળતી નથી. આ ઉપરાંત, ફરિયાદ નોંધાયાના એક દિવસ પહેલાં જ ફરિયાદીના પતિ અને બીજા આરોપી કિશન વચ્ચે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો અને કોઈ વાંધાજનક ફોટા પણ મળ્યા ન હોવાથી તેના પરના આક્ષેપો સાબિત થતા નથી. પરસ્પર સંમતિના સંબંધોને દુષ્કર્મમાં ખપાવવાથી ગંભીર ગુનાની ગંભીરતા ઘટે છે અને ન્યાયતંત્રની મશીનરીનો દુરુપયોગ થાય છે તેમ નોંધી હાઈકોર્ટે અપીલ નકારી કાઢી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *