ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર હસમુખ શાહ દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેઓ પાલિતાણા તાલુકાના તળેટી રોડ પર આવેલી યુ.સી.ગાંધી વિદ્યાલયની હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. 20, જૂન 2024 થી 12 માર્ચ, 2026 દરમિયાન ધોરણ 8 થી 10 માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી શારીરિક શોષણ તેઓ ઉપર આક્ષેપ છે. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને ટોકવામાં આવ્યો હોવાથી આ ખોટી ફરિયાદ કરી
અરજદાર વતી રજૂઆત કરાઈ હતી કે તે 68 વર્ષના વયસ્ક વ્યક્તિ છે અને તેમની સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે. તેઓ 7 એપ્રિલ, 2026 થી જેલમાં છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ હોવાથી હવે તેમની પાસેથી કશું રિકવર કે ડિસ્કવર કરવાનું બાકી નથી. હોસ્ટેલમાં શિસ્ત જાળવવા બાબતે સગીર વિદ્યાર્થીને ટોકવામાં આવ્યો હોવાથી આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. ડોક્ટર સમક્ષ સગીરે આપેલી વિગતો ગુનાની પુષ્ટિ કરે છે
સામે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે ગુનો સગીર વયના બાળક સામેનો અને ગંભીર પ્રકૃતિનો છે. હોસ્ટેલના રેક્ટરના દબાણ હેઠળ હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. સગીર પીડિત તેમજ અન્ય સગીર સાક્ષીઓના નિવેદનો અને ડોક્ટર સમક્ષ સગીરે આપેલી વિગતો ગુનાની પુષ્ટિ કરે છે. અરજદાર સામે ભૂતકાળમાં પણ IPC ની કલમ 307 હેઠળ હત્યાનો પ્રયાસ જેવા શારીરિક ગુનાનો ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે. જામીન આપવાથી પુરાવા સાથે ચેડાં થવાની અને સાક્ષીઓને ધમકાવવાની શક્યતા છે. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી
હાઈકોર્ટે નોંધ્યું હતું કે માત્ર ચાર્જશીટ રજૂ થઈ જવાથી કેસની ગંભીરતા ઓછી થતી નથી. અરજદાર હોસ્ટેલના રેક્ટર હોવાથી બાળકના સંરક્ષક હતા અને તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને સગીરનું શોષણ કર્યું છે. POCSO એક્ટ હેઠળ ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ અને સમાજ પર તેની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. સાથે જ ટ્રાયલ કોર્ટને આ કેસની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
સગીરનું શારીરિક શોષણ કરનારને જામીન નહીં:પાલિતાણામાં સિનિયર સિટીઝન રેક્ટરે વિધાર્થીનું શોષણ કર્યાનો આક્ષેપ, કોર્ટે કહ્યું- બાળકોના સંરક્ષકે જ પદનો દુરુપયોગ કર્યો
📅 Published: October 2, 2026 |
📂 Category: gujarati-news
