સચિવાલયના પાણી અંગે ફરિયાદો વચ્ચે લેબ રિપોર્ટ:ત્રણેય ROનું પાણી ‘સેફ’, ઠંડા પાણી વિશે પ્રશ્નો યથાવત્

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

સચિવાલય સંકુલમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે કર્મચારીઓ તરફથી મળતી ફરિયાદો અને રજૂઆતો વચ્ચે પાણીના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ સચિવાલયના અલગ-અલગ વિસ્તારોને પાણી પૂરું પાડતા ત્રણેય RO પ્લાન્ટના સેમ્પલ પીવાલાયક એટલે કે ‘Safe’ જાહેર થયા છે. જોકે, આ રિપોર્ટમાં કૂલરમાંથી મળતા ઠંડા પાણીની અલગથી તપાસ કરવામાં આવી નથી, જેથી ઠંડા પાણી અંગેનો સવાલ હજુ યથાવત્ છે. બ્લોક 1થી 7, વિધાનસભા અને બ્લોક 8થી 14ના સેમ્પલ
12 ઓગસ્ટ, 2026ના રોજ સચિવાલય સંકુલના ત્રણ RO પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં New Sachivalay R.O.-1 (Block 1 to 7), New Sachivalay R.O.-2 (વિધાનસભા) અને New Sachivalay R.O.-3 (Block 8 to 14) નો સમાવેશ થાય છે. લેબોરેટરીમાં પાણીના કેમિકલ અને બેક્ટેરિયોલોજિકલ બંને પ્રકારના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ત્રણેય સેમ્પલ માટે પાણીની ગુણવત્તા અંગે ‘Safe’ અભિપ્રાય આપવામાં આવ્યો છે. બેક્ટેરિયાની તપાસમાં પણ પાણી ‘Safe’
બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં ત્રણેય ROના સેમ્પલમાં Total Coliform <1 અને Thermotolerant Fecal Coliform (E.coli) <1 નોંધાયું છે. રિપોર્ટમાં BIS 10500:2012ના ધોરણને આધારે ત્રણેય સેમ્પલ માટે “Opinion for Potability – Safe” દર્શાવવામાં આવ્યું છે. કેમિકલ ટેસ્ટમાં પણ પાણીના વિવિધ માપદંડોની તપાસ કરવામાં આવી છે. એટલે ઉપલબ્ધ લેબ રિપોર્ટ પ્રમાણે તપાસાયેલા ત્રણેય RO સોર્સના પાણીમાં પીવાલાયકતા અંગે કોઈ અસુરક્ષિત પરિણામ દર્શાવવામાં આવ્યું નથી. તો ઠંડા પાણીનું શું?
સચિવાલયના કર્મચારીઓમાં હાલ એવી ચર્ચા છે કે કૂલરમાંથી આવતું ઠંડું પાણી પીવાલાયક છે, જ્યારે નોર્મલ ROનું પાણી પીવા માટેનું નથી. બીજી તરફ કેટલાક કર્મચારીઓનું કહેવું છે કે હાલમાં કૂલરમાંથી ઠંડું પાણી આવતું જ નથી અને નોર્મલ પાણી જ મળે છે પરંતુ, અહીં સૌથી મહત્વની બાબત એ છે કે લેબ રિપોર્ટમાં ઠંડા પાણી અને નોર્મલ પાણીના અલગ-અલગ સેમ્પલની તપાસ દર્શાવવામાં આવી નથી. રિપોર્ટમાં સેમ્પલના સોર્સ તરીકે RO Water દર્શાવવામાં આવ્યું છે. તેથી હાલના રિપોર્ટના આધારે ઠંડા પાણીની ગુણવત્તા અંગે અલગથી કોઈ નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી. એસોસિએશન હવે બ્લોક 8થી 14માં ચેકિંગ કરાવશે
સચિવાલય સ્ટાફ એસોસિએશન પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈને બ્લોક નં. 8થી 14માં પાણીના સ્ત્રોતોનું ફરી રૂબરૂ ચેકિંગ કરાવશે. ઉપરાંત સમયાંતરે સચિવાલય સંકુલના પાણીના સ્ત્રોતોની ગુણવત્તા પણ ચકાસવામાં આવશે. ‘પીવાનું’ અને ‘વાપરવાનું’ પાણી અલગ દર્શાવવા બોર્ડ લગાવાશે
પાણી ભરવાના સ્થળોએ ‘પીવાનું પાણી’ અને ‘વાપરવાનું પાણી’ અંગે અલગ સાઇન બોર્ડ ન હોય તો સંબંધિત વિભાગની મહેકમ શાખા દ્વારા સુવિધા કચેરીને જાણ કરી તાત્કાલિક બોર્ડ લગાવવાની રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓને પણ આ અંગે ઝડપી કાર્યવાહી કરવા જણાવાયું છે. સચિવાલયના ત્રણેય RO પ્લાન્ટના તપાસાયેલા પાણીના સેમ્પલ લેબ રિપોર્ટમાં ‘Safe’ આવ્યા છે, પરંતુ કૂલરમાંથી મળતા ઠંડા પાણીની અલગ ગુણવત્તા તપાસ આ રિપોર્ટમાં નથી. તેથી ઠંડા પાણી અંગેનો સવાલ હજુ તપાસનો વિષય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *