ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈ વોર્ડ નંબર 1 વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. રાંધેજાના સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ-રસ્તા, પીવાનું પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સુવિધાઓમાં હજુ પણ અનેક સમસ્યાઓ છે. રાંધેજાના રહેવાસી અમૂલભાઈ ભોળાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીનમાંથી આશરે 40 ટકા જગ્યા કપાઈ રહી છે, જ્યારે બીજી તરફ ગામમાં રોડ-લાઈટ અને પાણીની સમસ્યા યથાવત છે. ‘રાંધેજામાં શુદ્ધ પાણી મળતું નથી’
રાંધેજાના નિવૃત્ત શિક્ષક ડી. એસ. રાવલે રોડની વ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આ વિસ્તારમાં વારંવાર ખાડા જોવા મળે છે. સાથે જ રાંધેજામાં હજુ સુધી શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ક્ષારયુક્ત પાણી મળવાથી લોકોના આરોગ્યને નુકસાન થવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી. ‘રાંધેજામાં અડધો કલાક વરસાદ પડે તો ઢીંચણ સુધી પાણી ભરાઈ’
સ્થાનિક રહેવાસી હસમુખભાઈ પંડ્યાએ વરસાદી પાણીના નિકાલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે, રાંધેજામાં અડધો કલાક વરસાદ પડે તો ભાગોળ વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ જાય છે. તેમણે આક્ષેપ કર્યો કે અગાઉ નાની પાઇપલાઈન નાખવામાં આવી હતી, બાદમાં તેને બદલીને મોટી પાઇપલાઈન નાખવી પડી. આ રીતે જાહેર નાણાંનો બગાડ થતો હોવાનો પણ તેમણે દાવો કર્યો. રોડ બનાવવામાં આવે છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાઈ જતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓના મુદ્દા બન્યા ચર્ચાના કેન્દ્ર
રાંદેજા વોર્ડ-1માં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નોને કારણે પાયાની સુવિધાઓનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપો વચ્ચે હવે મનપા તંત્ર અને સત્તાધારી પક્ષ તરફથી આ સમસ્યાઓ અંગે શું જવાબ આપવામાં આવે છે અને ચૂંટણી બાદ તેના ઉકેલ માટે શું પગલાં લેવાય છે, તેના પર સૌની નજર રહેશે. રોડ-રસ્તા, પાણી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા પ્રશ્નો
વોર્ડ નંબર-1માંથી કોંગ્રેસના ઉમેદવાર સુનિતાબેન સંજયકુમાર પટેલે જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી ડોર-ટુ-ડોર જનસંપર્ક કરી રહ્યા છે અને લોકોને રોડ-રસ્તા, પાણી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા પ્રશ્નો સતાવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. રાંધેજાના અંબાજી મંદિર તરફના રસ્તા પર નાળિયાવાળી જગ્યાએથી પસાર થવામાં પણ લોકોને મુશ્કેલી પડે છે. ખાસ કરીને વરસાદ દરમિયાન ત્યાંની સ્થિતિ વધુ ખરાબ બને છે અને રબારી સમાજના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
‘સરકાર વિકાસની વાત કરે, પણ અમારા ઘરે હજુ ગટર-લાઈન નથી’:'વિકાસના નામે ખાલી 30-30 મીટરના રસ્તા બનાવ્યા', રાંધેજામાં રોડ, પાણી અને ગટરના પ્રશ્નથી લોકો પરેશાન
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
