સરધારમાં 16 વર્ષની સગીરાનો આપઘાત:એક વર્ષ પહેલાં જ્યાં પિતાએ જિંદગી ટૂંકાવી ત્યાં જ દીકરીએ ગળેફાંસો ખાધો

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ તાલુકાના સરધાર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સ્વામિનારાયણ મંદિર પાસે, સૂકી સાજડીયારી રોડ પર રહેતી 16 વર્ષીય તન્વી મહેન્દ્રભાઈ મકવાણાએ પોતાના ઘરે છતના હૂંક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. કરુણતા એ છે કે બરાબર એક વર્ષ પહેલાં જે જ જગ્યાએ તેના પિતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું તે જ સ્થળે અને એ જ રીતે દીકરીએ પણ પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત
આ બનાવ સમયે સગીરાની માતા અને મોટી બહેન મજૂરી કામ અર્થે ગયા હતા, જ્યારે તેના બે નાના ભાઈઓ શાળાએ ગયા હતા. બપોરના સમયે સગીરા ઘરે એકલી હતી, ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. શાળાએથી નાનો ભાઈ ઘરે પરત ફર્યો ત્યારે તેણે બહેનને છતના હૂંક સાથે લટકતી હાલતમાં જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં જ પડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરી હતી. 108ના ઈએમટી સ્થળ પર પહોંચી તપાસ કરતા સગીરાને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સગીરા છેલ્લા કેટલાક સમયથી આંતરડાની ગંભીર અને જૂની બીમારીથી પીડાતી હતી, જેની દવાઓ પણ સતત ચાલી રહી હતી. બીમારીના સતત દુ:ખાવા અને તકલીફથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ ઉપરાંત, એક વર્ષ પૂર્વે પિતાના અવસાન બાદથી તે પિતાના વિયોગમાં પણ રહેતી હતી. આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પિતાની ખોટ તેને સતત સાલતી હતી. હાલ આજીડેમ પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *