સરપંચ મયંક પટેલે જન્મદિવસ પર સેવાયજ્ઞ કર્યો:169 યુનિટ રક્ત એકત્રિત થયા, 284 લોકોએ નિઃશુલ્ક આંખ તપાસનો લાભ લીધો

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના ખેરલાવ ગામના સરપંચ અને ભારતીય જનતા યુવા મોરચા, વલસાડ જિલ્લાના મહામંત્રી મયંક પટેલે પોતાના જન્મદિવસ પર સેવાયજ્ઞનું આયોજન કર્યું. આ પરંપરા તેઓ છેલ્લા આઠ વર્ષથી જાળવી રહ્યા છે. આ વર્ષે પણ ખેરલાવમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે રાજકીય-સામાજિક આગેવાનો, વિવિધ ગામોના સરપંચો, યુવાનો અને ગ્રામજનો પણ જોડાયા. આ પ્રસંગે યોજાયેલી રક્તદાન શિબિરમાં ૧૬૯થી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું. રક્તદાનને પર્યાવરણ સુરક્ષા સાથે જોડવા માટે દરેક રક્તદાતાને એક આયુર્વેદિક અને એક ફળનો છોડ ભેટમાં અપાયો. આ રીતે ‘એક રક્તદાતા, બે છોડ’ની પહેલ કરવામાં આવી. સખી મંડળની બહેનોએ બનાવેલી કાપડની થેલીઓ પણ ભેટ આપી પ્લાસ્ટિકમુક્તિ અને મહિલા સ્વરોજગારનો સંદેશ અપાયો. તીર્થ ઇલેક્ટ્રિકલના સહયોગથી રક્તદાતાઓને સોલાર રૂફટોપ માટે ગિફ્ટ વાઉચર પણ આપવામાં આવ્યા. અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, આર.એન.સી. શ્રી આઈ હોસ્પિટલ, વલસાડ અને ગ્રામ પંચાયત ખેરલાવના સહયોગથી નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો. તેમાં ૨૮૪ લોકોએ લાભ લીધો. જરૂરિયાતમંદ લોકોને આગળની સારવાર માટે માર્ગદર્શન પણ અપાયું. આ સિવાય ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ભારતીય ટપાલ વિભાગના સહયોગથી વીમા જાગૃતિ કેમ્પ પણ યોજાયો. જેમાં ગ્રામજનોને વીમા અને બચત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. મયંક પટેલે જણાવ્યું કે, “જન્મદિવસ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અવસર છે.” તેમણે આ સેવાકીય પ્રવૃત્તિઓની સફળતા માટે ગ્રામજનો, યુવાનો, સખી મંડળની બહેનો અને સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો. આ સેવાપરંપરાએ જન્મદિવસને ફક્ત ઉજવણી નહીં, પરંતુ રક્તદાન, આરોગ્ય સેવા, વૃક્ષારોપણ, મહિલા સ્વરોજગાર અને સ્વચ્છ ઊર્જા જેવા લોકોના ભલા માટેના કાર્યો સાથે જોડવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *