સાંતલપુરના વૌવામાં હિંસક પ્રાણીના હુમલા બાદ સ્થાનિકોમાં ફફડાટ:દિવસ-રાત બંદૂક-ધારીયા, લાકડી-ધોકા સાથે 200 લોકોની પહેરેદારી;ફોરેસ્ટનું રાત્રે સર્ચ અને દિવસે ડ્રોન સર્વેલન્સ

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા ત્રણેક દિવસથી હિંસક જંગલી પ્રાણીના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે.અજ્ઞાત પ્રાણીએ 20થી વધુ લોકો અને 10થી વધુ પશુઓ પર હુમલો કર્યો છે. બે પશુઓના મોત થયાનો પણ દાવો કરાયો છે.પરિવાર અને પશુઓની સુરક્ષા માટે ફફડી ગયેલા ગામના 200થી વધુ લોકો રાત્રે હાથમાં બંદૂક, ધારીયા, લાકડી, ધોકા અને ટોર્ચ લઈને ગામની ચારેય તરફ પહેરેદારી કરી રહ્યા છે. જ્યારે ફોરેસ્ટ દ્વારા સર્ચ ઓપરેશન અને ડ્રોન સર્વેલન્સ કરાઈ રહ્યું છે. સ્થાનિકોના મુજબ, સીમ અને વાડી વિસ્તારમાં જવાનું પણ લોકો ટાળી રહ્યા છે. પરબતભાઈના જણાવ્યા પ્રમાણે, પ્રાણીએ આશરે 22 લોકોને અડફેટે લીધા છે અને બે ઢોરને મારી નાખ્યા છે. રાજાભાઈના જણાવ્યા અનુસાર, રાત્રે 100થી 200 જેટલા લોકો ગામની ચારેય તરફ જાગીને પહેરો આપી રહ્યા છે. પ્રાણી ક્યાંથી આવ્યું છે અથવા કોઈએ તેને ક્યાંકથી લાવીને છોડ્યું છે તેવી શંકા પણ વ્યક્ત કરી છે.
વૌવામાં અજ્ઞાત પ્રાણીના આતંકનો સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો 3 તસવીરોમાં જુઓ લોકોનો ફફડાટ મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં પ્રાણી દેખાતા દોડધામ
વૌવા ગામમાં છેલ્લા ત્રણેક દિવસથી હિંસક પ્રાણીના આતંકના કારણે લોકોમાં ભારે ફફડાટ છે. ગત રાત્રે ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં પ્રાણી દેખાયું હોવાની વાત સામે આવતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પ્રાણી અચાનક આવીને લોકો અને પશુઓને બટકા ભરી ઝડપથી ભાગી જાય છે. લોકોના ચહેરા અને હાથના ભાગે હુમલા કરવામાં આવ્યા છે. 20થી વધુ ઈજાગ્રસ્તોની વિવિધ હોસ્પિટલમાં સારવાર
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને આ અજ્ઞાત પ્રાણીએ અડફેટે લીધા છે. ઈજાગ્રસ્તોને સાંતલપુર, પાટણ, રાધનપુર, મહેસાણા અને અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની હાલ પણ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. પશુઓ પર પણ હુમલો, બે પશુઓના મોત
હિંસક પ્રાણીના હુમલાથી પશુપાલકોમાં પણ ભારે ચિંતા ફેલાઈ છે. ગ્રામજનોના દાવા મુજબ, 10થી વધુ પશુઓ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં બે નાના પશુઓના મોત થયા છે. પશુપાલન પર નિર્ભર પરિવારો પોતાના ઢોર-ઢાંખરની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. બાળકોને ઘરમાં રાખી ગ્રામજનો રાતભર ચોકીદારી કરે છે
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ગ્રામજનો રાત્રે ઊંઘ્યા વિના પોતાના પરિવાર અને પશુઓની સુરક્ષા માટે પહેરો આપી રહ્યા છે. યુવાનો અને પશુપાલકો હાથમાં ધોકા, લાકડીઓ તથા ટોર્ચ લઈને ગામના રસ્તાઓ અને ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. કેટલાક પરિવારો બાળકોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા દેતા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. વન વિભાગનું રાત્રે પેટ્રોલિંગ અને દિવસે ડ્રોનથી તપાસ
વન વિભાગ દ્વારા વૌવા ગામમાં ટીમો તૈનાત કરવામાં આવી છે. આરએફઓ રાજેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે દિવસ દરમિયાન વિસ્તારની તપાસ માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ છે. વન વિભાગ દ્વારા ગામ તથા આસપાસના સીમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. હડકવાગ્રસ્ત કૂતરાને મારી નાખ્યો, હુમલાખોર હોવાની પુષ્ટિ નહીં
વહેલી સવારે ગામમાંથી મળેલી માહિતી મુજબ, હડકવાગ્રસ્ત હોવાની આશંકા ધરાવતા એક કૂતરાને ગ્રામજનોએ મારી નાખ્યો હતો. જોકે, આ કૂતરું જ લોકો અને પશુઓ પર હુમલો કરનાર પ્રાણી હતું કે કેમ તે અંગે વન વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેથી હુમલાખોર પ્રાણીની ચોક્કસ ઓળખ હજુ રહસ્ય બની છે.
પ્રાણીને ઝડપથી પકડવાની ગ્રામજનોની માગ
હાલ સમગ્ર વિસ્તારમાં વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ, સતત ભયના માહોલમાં જીવતા ગ્રામજનોએ રાજ્ય સરકાર અને વન વિભાગ સમક્ષ હિંસક પ્રાણીને તાત્કાલિક શોધી પકડી પાડવાની માંગ કરી છે. ગામમાં ફરી સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ ઊભું થાય તે માટે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

વનવિભાગની તપાસમાં વન્યપ્રાણીના હુમલાના પુરાવા નથી મળ્યા : પાટણના DCF
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વોવા ગામે એકાએક અજાણ્યા પ્રાણી દ્વારા 15થી વધુ ગ્રામજનો પર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હોવાના બનાવથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા નથી.
પાટણના DCF એન.જે. પરમારના જણાવ્યા મુજબ, ઘટના અંગે માહિતી મળતાં જ વનવિભાગની ટીમ વોવા ગામે પહોંચી હતી. વધુ તપાસના ભાગરૂપે વિસ્તારના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તેમાં સવારે આશરે 8 વાગ્યાના સમયે એક કૂતરો જોવા મળ્યો હતો. બાદમાં આ કૂતરો મૃત હાલતમાં મળી આવતા વનવિભાગની ટીમે તેનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
વનવિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે શ્વાન હડકાયો હોય ત્યારે તેના વર્તનમાં આક્રમકતા જોવા મળે છે અને આવા સંજોગોમાં લોકો પર હુમલાની ઘટનાઓ બની શકે છે. વોવા ગામની ઘટનામાં પણ ઉપલબ્ધ પુરાવા અને તપાસના આધારે હડકાયા સ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર તપાસ બાદ હાલના તબક્કે વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના દાવાને વનવિભાગે ફગાવી દીધો છે. CCTV ફૂટેજ, સ્થળ તપાસ અને રાત્રિ દરમિયાન કરવામાં આવેલા પેટ્રોલિંગના આધારે સ્વાનના હુમલાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *