કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમની દીર્ઘાયુ, લોકકલ્યાણ અને જનસુખાકારીની પ્રાર્થના સાથે ભુજથી માતાના મઢ સુધીની આશરે 100 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. ભક્તિ, આસ્થા અને જનસેવાના સંકલ્પ સાથે શરૂ થયેલી આ પદયાત્રામાં પ્રથમ રાત્રિએ જ 50થી વધુ લોકો જોડાયા હતા. પદયાત્રાના પ્રારંભ પૂર્વે સાંસદ વિનોદ ચાવડાએ ભુજ સ્થિત માં આશાપુરા મંદિરે દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. ત્યારબાદ મીરઝાપર રોડ પર આવેલા માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ ખાતે આરતી કરવામાં આવી હતી. આરતી બાદ પદયાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. આ પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રોના આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહી પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અંગદાન ક્ષેત્રે પ્રેરણાદાયી કામગીરી કરનાર દિલીપ દેશમુખ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહ, ભાજપ શહેર પ્રમુખ મિત ઠક્કર, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ સહિત અનેક આગેવાનો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રાને લઈને શહેરમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાંસદ વિનોદ ચાવડાની આ પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતા સમાજકલ્યાણ અને જનસેવાના સંકલ્પ સાથે જોડાયેલી હોવાનું જણાવાયું છે. ભુજથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન તેઓ પગપાળા માતાના મઢ પહોંચશે અને પ્રથમ નોરતાના પાવન અવસરે માં આશાપુરાના ચરણોમાં શીશ નમાવશે. કચ્છમાં લોકકલ્યાણના સંકલ્પ સાથે સાંસદ દ્વારા આટલી લાંબી પદયાત્રા યોજાઈ રહી હોવાને લઈને પણ આ યાત્રા વિશેષ બની છે. આશરે 100 કિલોમીટરની સફર દરમિયાન ધાર્મિક શ્રદ્ધા સાથે સેવા અને જનહિતનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પદયાત્રાના અંતે માં આશાપુરાના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ તેમજ સમગ્ર સમાજના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.
સાંસદ વિનોદ ચાવડાએ PM મોદીના જન્મદિવસ પર પદયાત્રા શરૂ કરી:ભુજથી માતાના મઢ સુધી 100 KM ચાલશે, પહેલા નોરતે કરશે પ્રાર્થના
📅 Published: October 9, 2026 |
📂 Category: gujarati-news
