સાબરકાંઠામાં ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે. જાદરમાં મુધણેશ્વર મહાદેવનો ત્રિદિવસીય મેળો આવતીકાલથી શરૂ થવાનો છે. આ માટે વેસ્ટર્ન રેલવે દ્વારા અસારવાથી ખેડબ્રહ્મા સ્પેશિયલ મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ટ્રેનના સ્ટોપેજ માત્ર અસારવા, હિંમતનગર, વડાલી અને ખેડબ્રહ્મા હતા. સાંસદ દ્વારા તલોદ, પ્રાંતિજ, જાદર અને ઇડર સ્ટોપેજની રજૂઆત મંજૂર થતાં, આજે સવારે સાંસદ શોભનાબેન બારૈયાએ કાર્યકરો સાથે અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ મેમુમાં મુસાફરી કરી હતી. તેમણે મુસાફરો સાથે સંવાદ પણ કર્યો હતો. માં અંબાના પાવન ધામ ખેડબ્રહ્મા તેમજ અંબાજી દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ફાળવવામાં આવેલી આ વિશેષ ટ્રેનમાં સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન એમ. બારૈયાએ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો સાથે પ્રાંતિજથી ખેડબ્રહ્મા સુધી મુસાફરી કરી. મુસાફરી દરમિયાન જાદર અને વડાલી ખાતે વિશેષ ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી પગપાળા મંદિર સુધી યાત્રા કરીને તેમણે માં અંબાના દર્શન કર્યા અને ધજા ચડાવી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે માતાજીના આશીર્વાદ મેળવ્યા. મુસાફરોએ પણ શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ મેમુને આવકારી હતી અને મુસાફરીને આનંદદાયક ગણાવી હતી. તેમણે ટ્રાફિક મુક્ત, સુરક્ષિત અને સલામતીવાળી તેમજ ઓછા ખર્ચવાળી મુસાફરી ગણાવી. અસારવાથી ખેડબ્રહ્મા માત્ર દોઢથી બે કલાકમાં પહોંચતી હોવાથી તેને ઝડપી સેવા પણ ગણાવવામાં આવી. સાંસદે સૌને ભાદરવી પૂનમના મેળા અને જાદરના મુધણેશ્વરમાં મેમુમાં મુસાફરી કરી દર્શન કરવાની અપીલ કરી. આ સમયે તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, જાદર, ઇડર અને વડાલી સ્ટેશનેથી ભાજપ તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મુસાફરીમાં જોડાયા હતા. ઉપરાંત સ્ટેશન પર સાંસદ શોભનાબેન બારૈયાનું સ્વાગત કર્યું હતું. ખેડબ્રહ્મામાં ધજા સાથેની પગપાળા પદયાત્રામાં ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તલોદના કૌશલભાઈ ગજ્જર, હિંમતનગરના હિતેન્દ્રભાઈ પટેલ, કુલદીપ પાઠક, પરીક્ષિત વખારિયા, તલોદના કનકસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.
સાંસદ શોભનાબેન બારૈયાએ ભાદરવી મેળા સ્પેશિયલ મેમુમાં મુસાફરી કરી:ખેડબ્રહ્મામાં માતાજીને ધજા અર્પણ કરી, સૌને મુસાફરી કરવા અપીલ કરી
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
